માવઠા બાદ રાજ્યના વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનો શરૂ થઈ ગયો હોવા છતાં હજુ પણ જોઈએ એવી ટાઢ નથી પડતી. બીજી બાજુ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સર્જાઈ હતી તે વિખેરાઈ ગઈ છે. જેના કારણે ધીમે ધીમે હવે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં ઉત્તર-પૂર્વીય ઠંડા પવન શરૂ થયા છે પરંતુ તાપમાનમાં વધારે ઘટાડો ન થવાને કારણે લોકો ડબલ સિઝનનો અનુભવ કરી રહ્યા છે. બીજી બાજુ હવામાન વિભાગે રાજ્યમાં આગામી ચાર દિવસમાં ઠંડી વધવાની આગાહી વ્યક્ત કરી છે.


હવામાન વિભાગ અનુસાર, અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 ડિગ્રી ગગડીને 29.6 ડિગ્રી અને લઘુતમ 4 ડિગ્રી વધીને 17.7 ડિગ્રી નોંધાયુ હતું. મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાની સામે લઘુત્તમ તાપમાનમાં વધારે ઘટાડો ન થવાને કારણે લોકો ડબલ સીઝનનો અનુભવ કરી રહ્યા છે. ગુજરાતમાં 12.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું હતું. રાજ્યના વિવિધ શહેરોમાં હજી પણ મહતમ તાપમાન 30 ડિગ્રી આસપાસ રહેલા બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.


બેવડી ઋતુને કારણે લોકો વાયરલ ઈન્ફેક્શન સહિતના રોગોનો ભોગ બની રહ્યા છે. રાજ્યમાં છેલ્લાં ત્રણ દિવસથી મોટાભાગના શહેરના તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. આ શહેરોમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. જેના કારણે વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે.


ભાવનગર શહેરમાં ઉત્તરના પવનોનું જોર વધતાં આગામી દિવસમાં ઠંડીનું જોર વધશે. આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. જૂનાગઢ શહેરમાં હજુ પણ લઘુત્તમ તાપમાનનો પારો 21 ડિગ્રીને પાર રહેતો હોય શિયાળાની ઋતુનો અનુભવ થતો નથી. જોકે,12 ડિસેમ્બર થછી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીની અસર વર્તાય તેવી શક્યતા છે.