જૂનાગઢઃ જૂનાગઢમાં ગિરનાર રોપવે શરૂ થતા જૂનાગઢવાસીઓ અને પ્રવાસીઓ ખુશ છે. પણ ટિકિટના ભાવને લઈ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ટિકિટનો દર 750 રૂપિયા નક્કી કરવામા આવ્યો છે.

જોકે હાલમાં 16 નવેમ્બર સુધી ટિકિટમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે જેથી પ્રવાસીઓએ 600 રૂપિયા ચુકવવા પડી રહ્યા છે. જોકે આ રકમથી પણ લોકોમાં નારાજગી છે. જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ મુખ્યમંત્રીને પત્ર લખી ટિકિટનો દર ઘટાડવા માગ કરી છે.

પત્રમાં લખ્યું છે કે, સામાન્ય અને મધ્યમ વર્ગ માટે કિકિટનો ભાવ ખૂબ વધારે છે. તેમણે કહ્યું કે, પાવાગઢથી ત્રણ ગણી ઉંચાઈ હોય તો ભાવ ત્રણ ગણો હોવો જોઈએ. એ રીતે જોવા જઈએ તો પાવાગઢની ટીકીટ 80 હોય તો ગિરનાર રોપવેની ટિકિટ 300 રૂપિયા જેટલી હોવી જોઈએ. આમ ગિરનાર રોપવેની ટિકિટ છ ગણી હોઈ કોંગ્રેસના ધારાસભ્યએ વિરોદ નોંધાવ્યો છે. બીજી બાજુ અત્યારે ટ્રોલી ખાલી જાય ત્યારે ભાવ ઘટાડવાથી કંપનીને પણ ઓછી નુકસાની જઈ શકે છે.



ભવનાથ તળેટીથી ગિરનાર પર્વત પર અંબાજી માતાનું મંદિર 2.3 કિ.મી. દૂર છે. આ અંતર રોપવેથી માત્ર 7 મિનિટમાં કાપી શકાશે. હાલ તળેટીથી દત્ત મંદિર જતા 4થી 6 કલાક લાગે છે. 2.3 કિ.મી. લંબાઇ ધરાવતા ગિરનાર રોપ-વેના રૂટ પર 9 ટાવર ઉભા કરવામાં આવ્યા છે. એક ટ્રોલીમાં 8 વ્યક્તિ બેસી શકશે. 36 સેકન્ડે ટ્રોલી ઉપડશે અને એક કલાકમાં 800 શ્રદ્ધાળુઓ 25 ટ્રોલીમાં અંબાજી મંદિરે પહોંચી જશે.