સંચાલક મંડળે રાજ્ય સરકારને સૂચનો મોકલ્યા છે જેમાં આગામી ત્રણ વર્ષ માટે પરીક્ષા પદ્ઘતિમાં ફેરફાર કરવાનું સૂચન આપ્યું છે. આ સિવાય ત્રણ વર્ષ સુધી રાષ્ટ્રીય તહેવારો, રાજકીય મેળાવડા અને સરકારના કાર્યક્રમોમાંથી વિદ્યાર્થીઓને બાકાત રાખવાનું કહ્યું છે. વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવા અને બે પાળી વચ્ચે સેનિટાઈઝ માટે એક કલાકનો બ્રેક રાખવાની ભલામણ સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે. શાળામાં અભ્યાસના કલાકો ઘટાડવાના લઈને ગૃહકાર્ય પર ભાર આપવા માટેનું સૂચન પણ આપવામાં આવ્યું છે.
રાજયમાં શાળાઓ શરુ કરવામાં આવે તે પહેલા સરકાર દ્વારા ગાઈડલાઈન તૈયાર કરવામાં આવશે. જો કે, ગાઈડલાઈન તૈયાર થાય તે પહેલા જ રાજય શાળા સંચાલક મંડળે સરકારને પોતાના સૂચનો લેખિતમાં મોકલ્યા છે. ગુજરાત રાજય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે મુખ્યમંત્રી વિજય રુપાણીને આ અંગે પત્ર લખ્યો છે.
મંડળ દ્વારા આપવામાં આવેલા સૂચનો મુજબ શાળાઓ શરુ થાય તે પહેલા તમામ બિલ્ડિંગને સેનિટાઈઝ કરવી પડશે. વિદ્યાર્થીઓના વર્ગને વધુમાં વધુ 30 વિદ્યાર્થીઓ પૂરતો સીમિત રાખવા સૂચન કરવામાં આવ્યું છે. આમ આગામી ત્રણથી ચાર વર્ષ માટે ફિકસ પગારથી અથવા પ્રવાસી શિક્ષકો રાખવા પડશે.
આગામી ત્રણ વર્ષ માટે પરીક્ષા પદ્ઘતિમાં ફેરફાર કરવાનું પણ કહેવામાં આવ્યું છે. આંતરિક મૂલ્યાંકન પર વધુ ભાર આપવાનો રહેશે. વર્ગ શિક્ષણ કાર્યના કલાક ઘટતા વિદ્યાર્થીઓ પાસે ઘરે વધુ સમય મળશે. જેથી ગૃહકાર્ય પર વધુ ભાર આપવા સૂચન કરવામાં આવ્યું છે.
આગામી ૩ વર્ષ માટે શાળાના વિદ્યાર્થીઓ માટે તમામ પ્રકારના પ્રવાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનું કહેવામાં આવ્યું છે. જે શાળાઓ પાસે બસની વ્યવસ્થા છે, તેમને બસમાં મર્યાદિત વિદ્યાર્થીઓને બેસાડવાનું ખાસ કહેવાયું છે. આગામી ત્રણ વર્ષ માટે રાષ્ટ્રીય તહેવારોમાં શાળાના વિદ્યાર્થીઓને બાકાત રાખીને શાળાના સ્ટાફની હાજરી જરૂરી છે. આ જ રીતે વિદ્યાર્થીઓને રાજકીય મેળાવડામાંથી પણ બાકાત રાખવા, જેમ કે, વૃક્ષારોપણ, સરકાર દ્વારા આયોજીત રમતોત્સવ, સાંસ્કૃતિક મેળાવડામાંથી પણ વિદ્યાર્થીઓને દૂર રાખવા માટે સૂચન કરવામાં આવ્યું છે.