અમદાવાદઃ પીએમ મોદીએ પોતાના 69માં જન્મદિવસ પ્રસંગે ગુજરાતના કેવડિયામાં એક જનસભાને સંબોધિત કરી, આ રેલીમાં મોદીએ ગુજરાતના વિકાસ અને ખાસ કરીને નર્મદા પરના બંધને લઇને કેટલીક યાદો અને ભૂતકાળને વગોળ્યો. મોદીએ કહ્યું કે આજે સરદાર પટેલનું સપનુ પુરુ થયુ, એકસમયે પાણી માટે ગોળીએ વરસી હતી.

કેવડિયામાં રેલીને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે, અહીં આજે જનસાગર અને જલસાગર એકસાથે મળ્યા છે. તેમને કહ્યું કે, મને પણ ફોટોગ્રાફીનો શોખ હતો, પણ હવે નથી રહ્યો. આજે મારુ મન કરી રહ્યું છે કે આ દ્રશ્યને કેમેરામાં કેદ કરી લઉં. આજે અહીં જનસાગર અને જલસાગર મળ્યા છે.

પીએમે રેલીમાં કહ્યું કે, આજે સરદાર સરોવર બંધના કારણે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છને પાણી મળી રહ્યું છે. આ યોજના દેશના ચાર રાજ્યોને એકસાથે પાણી આપે છે. અહીંની સરદાર પટેલની ભવ્ય પ્રતિમા અમને આશીર્વાદ આપે છે.

કેવડિયામાં પ્રકૃત્તિ, પર્યાવરણ, પ્રગતિ અને પર્યટનનો અનોખો સંગમ છે. અમે આનાથી રાજ્ય અને દેશનો વિકાસ કરીશું.


નોંધનીય છે કે, પીએમ મોદી આજે પોતાનો 69મો જન્મદિવસ ગુજરાતમાં મનાવી રહ્યાં છે. ગુજરાત આવીને પીએમે સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવર બંધનુ અવલોકન કર્યુ હતુ. આ સમયે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ પણ સાથે રહ્યાં હતા.