PM Modi Gujarat Visit: ગુજરાતમાં હાલ મેઘરાજા તાંડવ મચાવી રહ્યા છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ રદ્દ કરાયો છે. પીએમ મોદી 15 જુલાઈએ ગુજરાત આવવાના હતા. તેઓ ગાંધીનગર અને સાબરકાંઠા કાર્યક્રમમાં હાજર રહેવાના હતા. તેઓ સાબરડેરીના બે પ્લાન્ટનું લોકાર્પણ અને એક પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવાના હતા પરંતુ ભારે વરસાદના કારણે આ કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે.


ગુજરાતમાં આગામી ચાર દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી


રાજ્યમાં આગામી ચાર દિવસ અમદાવાદ સહિત સાર્વત્રિક ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યના આઠ જિલ્લામાં રેડ એલર્ટ, જ્યારે નવ જિલ્લામાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્રના જિલ્લામાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી આગાહીને પગલે રેડ એલર્ટ અપાયું છે.


વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, ભાવનગર, કચ્છ, મોરબી, ખેડા, આણંદ, વડોદરા,પંચમહાલ અને દાહોદમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


રાજ્યમાં આજે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં અતિભારે વરસાદ વરસી શકે છે. તો આવતીકાલે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, તાપી, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, બનાસકાંઠા, સાબરકાંઠા,અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, રાજકોટ, પોરબંદર, ભાવનગર અને દ્વારકામાં ભારે વરસાદ વરસી શકે છે.


ગુજરાતમાં આજે આ શહેરોમાં સ્કૂલ-કોલેજ બંધ


રાજકોટમાં સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે શહેરમાં શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા કલેકટરે આ માહિતી આપી છે. વલસાડ જિલ્લામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. આંગણવાડીથી લઇ કોલેજ સુધી તમામ શૈક્ષણિક સંસ્થા બંધ રાખવા આદેશ કરાયો છે. જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહીને પગલે શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. આજની પરિસ્થિતિ જોઈ આગામી દિવસોની રણનીતિ નક્કી કરવામાં આવશે. કલેકટર દ્વારા રજા જાહેર કરાઈ છે. નવસારી જિલ્લામાં પણ હવામાન વિભાગની આગાહી વચ્ચે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 12 અને 13 જુલાઈ એ રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા પ્રાથમિક શાળા અને આંગણવાડી બંધ રહેશે.