રાજ્યમાં આગામી ચાર દિવસ અમદાવાદ સહિત સાર્વત્રિક ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યના આઠ જિલ્લામાં રેડ એલર્ટ, જ્યારે નવ જિલ્લામાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્રના જિલ્લામાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી આગાહીને પગલે રેડ એલર્ટ અપાયું છે.


વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, ભાવનગર, કચ્છ, મોરબી, ખેડા, આણંદ, વડોદરા,પંચમહાલ અને દાહોદમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


રાજ્યમાં આજે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં અતિભારે વરસાદ વરસી શકે છે.


તો આવતીકાલે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, તાપી, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, બનાસકાંઠા, સાબરકાંઠા,અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, રાજકોટ, પોરબંદર, ભાવનગર અને દ્વારકામાં ભારે વરસાદ વરસી શકે છે.


ગોધરા રેલવે સ્ટેશન ટ્રેક પર પાણી


પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ગોધરામાં ચારથી પાંચ ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગોધરા રેલવે સ્ટેશન ટ્રેક ઉપર વરસાદી પાણી ભરાયા છે. મુંબઈ-દિલ્લી વચ્ચેનાં મુખ્ય ટ્રેક પર પાણી ભરાતા મહત્વની ટ્રેનોની અવર જવર પર અસર થઈ છે. જો કે સલામતી અને સુરક્ષાના ભાગરૂપે ટ્રેનોને ગોધરા રેલવે સ્ટેશનના આઉટર ઉપર રોકી દેવામા આવી છે. અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ રેલવે સ્ટેશન પર પહોંચી છે. તાત્કાલિક મશીનો લગાવી પાણી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.


ડેમમાં પાણી છોડાતા લોકો ફસાયા


નર્મદામાં કરજણ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. જેથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડવાના કારણે અલગ અલગ વિસ્તારમાં 25 લોકો ખેતરમાં ફસાયા છે. જેની જાણ તાત્કાલિક SDRF અને NDRFને કરવામાં આવી છે અને એસ ડી આર એફ અને એન ડી આર એફે તમામ 25 લોકોનું રેસ્ક્યૂ હાથ ધર્યું છે. સાથે જ કલેકટર અને એસ પી પણ સ્થળ પર પહોંચ્યા છે. બચાવ કામગીરી શરૂ કરવામા આવી છે. પહેલા તો 4 લોકોનું રેસ્કયુ કરી સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે..જે બાદ 5 લોકોને બચાવવામાં આવ્યા જેમાં 4 મહિલાની સાથે એક મહિનાની બાળકી પણ હતી. આમ એક બાદ એક લોકોને બચાવીને સલામત સ્થળે ખશેડવામા આવ્યા છે. 6 કલાકની જહેમત બાદ તમામ 25 લોકોને સફળતા પૂર્વક બચાવી લેવામાં આવ્યા.