વડોદરા: વડોદરામાં શનિવારે યોજાયેલી દિવ્યાંગોને સાધન-સહાય વિતરણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સેનાએ કરેલા સર્જીકલ સ્ટ્રાઇકનો આડકતરો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, સરકારે સર્જીકલ સ્ટ્રાઇક (લાલ આંખ કર્યા વિના) કર્યા વગર દેશમાંથી એક લાખ કરોડનું કાળું નાણું બહાર આવ્યું છે, જો સર્જીકલ સ્ટ્રાઇક કરીએ તો માની ન શકાય તેટલું કાળું નાણું બહાર આવી શકે છે. પીએમ નરેન્દ્ર મોદીએ અંદાજે 1 લાખથી વધુ મેદનીને સંબોધન કર્યુ હતું. તેમણે તેમની સરકારે આર્થિક બાબતે લીધેલાં પગલાંનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, આજે વિશ્વમાં ચારેતરફ ભારતની આર્થિક પ્રગતિની વાતો થઇ રહી છે. 2 વર્ષના દુષ્કાળ પછી પણ દુનિયા આખી એક અવાજે કહી રહી છે કે, આર્થિક દ્રષ્ટિએ ભારત તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. વડાપ્રધાને ઉલ્લેખ કર્યો હતો કે, એન.ડી.એ.સરકારે સાચી વ્યક્તિને સરકારની યોજનાઓનો લાભ મળે, ખોટા વ્યક્તિઓ તેનો લાભ ના લઇ જાય તેની કાળજી રાખી રૂા.36 હજાર કરોડ બચાવ્યા છે. જ્યારે રૂા.65 હજાર કરોડનું કાળું નાણું ટેક્સ સ્વરૂપે દેશની મુખ્યધારામાં આવ્યું છે. વડાપ્રધાને કાળાં નાણાંની વાતને સર્જીકલ સ્ટ્રાઇક સાથે સાંકળી લઇ કહ્યું હતું કે, સરકારે લાલ આંખ-સર્જીકલ સ્ટ્રાઇક કર્યા વિના જો આટલું કાળું નાણાં બહાર આવી શકતું હોય તો તમે વિચારો કે કાળું નાણું ઝડપી પાડવા આકરી કાર્યવાહી-સર્જીકલ સ્ટ્રાઇક કરીએ તો શું થાય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કેન્દ્ર સરકારના મંત્રીઓએ દિવ્યાંગોને વ્હીલચેર વિતરણ કર્યા બાદ દિવ્યાંગોની વ્હીલચેરને દોરીને લઇ જતાં મેદનીએ ચીચીયારીઓ સાથે આ ઘટનાને વધાવી લીધી હતી.