ગાંધીનગરઃ માળિયાહાટીના-મેંદરડાના 99 વર્ષીય પૂર્વ ધારાસભ્ય રત્નાબાપા ઠુંમરે કોરોના વાયરસની લડાઇમાં  51 હજાર રૂપિયા મુખ્યમંત્રી  રાહત ફંડમાં દાનમાં આપ્યા હતા. રત્નાભાઈ ઠુંમરે  જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે પહોંચી મુખ્યમંત્રી રાહત ફંડમાં  51 હજારનો ચેક આપ્યો હતો. રત્નાબાપા દ્ધારા  99 વર્ષની ઉંમરે આટલું મોટું દાન કરવાની વડાપ્રધાન મોદીએ પણ નોંધ લીધી હતી. રત્નાબાપાના દીકરાને ફોન કરીને વડાપ્રધાન મોદીએ રત્નાબાપા સાથે વાત કરી હતી. વડાપ્રધાન મોદીએ રત્નાબાપાના ખબર અંતર પૂછ્યા હતા. સાથે બંન્ને જણાએ જૂના સંસ્મરણોને વાગોળ્યા હતા.




વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ બાપાને કહ્યું કે અમને યાદ કરો છો? તો બાપાએ કહ્યું યાદ તો કરીએ ને. આજે આવેલી મહામારી સામે તમે લડી રહ્યા છો અને દેશની સેવા કરો છો. બાદમાં વડાપ્રધાને પણ કહ્યું હતું કે બાપા અમે તમને ખૂબ યાદ કરીએ છીએ. નોંધનીય છે કે 99 વર્ષીય રત્નાભાઈ ઠુમ્મર 1975થી 1980 દરમિયાન મેંદરડા અને માળિયાહાટીનાનાં ધારાસભ્ય રહ્યા હતા. તેઓ ધારાસભ્ય તરીકે પોતાનો પગાર અને પેન્શન પણ નથી લેતા.

દરમિયાન રત્નાબાપાએ કહ્યું, હું વૃદ્ધ છું એટલે આ સંકટ સામે લડાઈ લડવામાં મારું શરીર કામમાં આવે તેમ નથી પણ મારી થોડી ઘણી બચત હતી તે  દેશને કામમાં આવે એટલે અર્પણ કરું છું.