જૂનાગઢઃ ગુજરાતને આજે મોટી સોગાત મળવા જઈ રહી છે. એશિયાના સૌથી મોટા ટેમ્પલ રોપ વેનું આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવશે. રોપ વેના ઈ-લોકાર્પણ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. જૂનાગઢના બિલખા રોડ પર પોલીસ તાલીમ મહાવિદ્યાલયના મેદાનમાં રોપ વે અને કિસાન સૂર્યોદય યોજનાનું ઈ લોકાર્પણ થશે.


ઈ લોકાર્પણ બાદ મુખ્યમંત્રી રોપ વે સાઈટની મુલાકાત લેશે અને ટ્રોલીમાં બેસીને અંબાજી જશે. ભવનાથ તળેટીથી ગિરનાર પર્વત પર અંબાજી માતાનું મંદિર 2.3 કિ.મી. દૂર છે. આ અંતર રોપવેથી માત્ર 7 મિનિટમાં કાપી શકાશે. હાલ તળેટીથી દત્ત મંદિર જતા 4થી 6 કલાક લાગે છે.

2.3 કિ.મી. લંબાઇ ધરાવતા ગીરનાર રોપ-વેના રૂટ પર 9 ટાવર ઉભા કરવામાં આવ્યા છે. એક ટ્રોલીમાં 8 વ્યક્તિ બેસી શકશે. 36 સેકન્ડે ટ્રોલી ઉપડશે અને એક કલાકમાં 800 શ્રદ્ધાળુઓ 25 ટ્રોલીમાં અંબાજી મંદિરે પહોંચી જશે.

જૂનાગઢ રોપ-વેની ટિકિટનો દર કંપની દ્વારા નક્કી કરાયો છે. એશિયાના સૌથી મોટો રોપ-વેમાં બેસવા માટે રૂપિયા 750 ટૂવે નક્કી કરાયા છે. બાળકો માટેની ટિકિટનો દર 350 રૂપિયા નક્કી કરાયો છે અને રોપ-વેની વન-વે ટિકિટ 400 રૂપિયા નક્કી કરવામાં આવી છે.