દાહોદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. તેમણે ગુજરાતમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે. વન બંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરવા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યા હતા. લોકોને સંબોધતા મોદીએ જણાવ્યુ હતું કે,   વન બંધુ કલ્યાણ યોજનાની શરૂઆત ગુજરાત થઇ અને હવે સમગ્ર દેશમાં તેનો અમલ થઇ રહ્યો છે. ગુજરાત સવા બે કરોડ જેટલા બલ્બ લગાડી દેશમાં નંબર 1 બન્યું. જેનાથી 1 હજાર કરોડની બચત થવાની છે.


વધુમાં મોદીએ જણાવ્યુ હતું કે,  આવા નિર્ણય દિલ્હીમાં બેસેલી સરકાર નહીં, રાજ્ય સરકાર, નગરપાલિકા, ગ્રામ પંચાયત કરી શકે છે. ગુજરાત, મહારાષ્ટ્રમાંથી અલગ થયું ત્યારે ચર્ચા હતી કે ગુજરાત પાસે પાણી, ખનીજ નથી. તે પોતાના પગે આગળ નહીં વધી શકે. અનેક મર્યાદાઓ વચ્ચે ગુજરાતે વિકાસની નવી ઊંચાઇઓ હાંસલ કરી. મોદીએ આદિવાસીઓને અધિકારી-માંગણી પત્ર આપ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જયેશ રાદડિયા સહિત ભાજપના મંત્રીઓ ઉપસ્થિત છે.મોદી આ પહેલાં આજે સવારે રાયસણ ખાતે પોતાના માતા હિરાબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.