જામનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. ત્યારે સોમવારે જામનગરમાં ઉદઘાટન કર્યા બાદ સભા સંબોધી હતી. ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર સર્જીકલ સ્ટ્રાઈક કરી છે. ત્યારે નરેન્દ્ર મોદીના મનમાં આતંકવાદને ખત્મ કરવાના વિચારો ચાલતા હોય તેમ જામનગરમાં સભામાં નરેન્દ્ર મોદીએ કોચીને બદલે કરાચી બોલી ગયા હતા. ત્યાર બાદ તેમણે જ ચોખવટ કરી હતી કે, હમણાં મારા મગજમાં આ બધું ચાલી રહ્યું છે. આ દરમિયા સભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.



નરેન્દ્ર મોદીએ એરસ્ટ્રાઈક અને વીંગ કમાન્ડર અભિનંદનને પરત લાવવાની વાતને યાદ કરી ગૌરવ અનુભવ્યું હતું. બાદમાં તેમણે જણાવ્યું હતું કે, જ્યાંથી આતંક થતો હોય ત્યાં દવા કરવી પડે, બીમારી પડોશમાં છે, જામનગરવાળા તમે તો પડોશમાં છો એટલે તમને વાવડ પહેલા આવતાં હશે. સેના કહે છે, તેમાં ભરોસો છે કે નહીં, સેના કહે તે મારે પણ માનવું પડે. પરંતુ અમુક લોકોને પેટમાં દુખે છે.



મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, વાયુસેના પાસે રાફેલ હોત તો પરિણામ જુદું આવ્યું હોત, મોદીએ વિપક્ષને કહ્યું હતું કે, સાબુ વાપરો, સાબુ એટલે સામાન્ય બુદ્ધિ. રાફેલ હોત તો અમારું પ્લેન જાત નહીં અને તેનું એકેય બચત નહીં. આતંકવાદના આકાઓ પહેલે પાર બેઠા હશે તો પણ આ દેશ તેને છોડશે નહીં. વિરોધ પક્ષનો મંત્ર છે કે મોદીને ખત્મ કરો અને મોદીનો મંત્ર આતંકવાદને ખત્મ કરવાનો છે. ભારતને તબાહ કરનારા તત્વોને છોડીશું નહીં.