Morbi Cable Bridge Collapses: મોરબીમાં આજે રવિવારે મોડી સાંજે મોટી દુર્ઘટના બની હતી. મોરબીમાં મચ્છૂ નદી પર આવેલા ઝૂલતા કેબલ બ્રીજ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા ત્યારે કેબલ બ્રીજ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો નદીમાં પડી ગયા હતા. હાલ તંત્ર દ્વારા તમામ લોકોને રેસ્ક્યુ કરવા માટેની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. હાલ મળતી પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટનામાં 8 લોકોનાં મોત થયાં હોવાની આશંકા છે.


પીએમ મોદીએ શું કહ્યું?


આ સમગ્ર ઘટના મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલાય તરફથી ટ્વીટ કરીને આપવામાં આવેલી જાણકારી મુજબ, પ્રધાનમંત્રી મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સંબંધીત અધિકારીઓ સાથે વાતચીત કરીને તમામ ટીમોને તાત્કાલીક રેસ્ક્યુ ઓપરેશન કરવા માટે કહ્યું છે. મોરબીમાં થયેલી આ દુર્ઘટનાની સ્થિતિનું સતત નિરીક્ષણ કરવા માટે અને અસરગ્રસ્ત થયેલા લોકોને તમામ મદદ કરવા માટે પણ પીએમ મોદીએ સુચના આપી છે.






જગદીશ ઠાકોરે પણ ટ્વીટ કર્યુંઃ


કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ ટ્વીટ કરીને મોરબી બ્રીજ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે, મોરબીમાં ખુલ્લા મુકાયેલા ઝૂલતા પુલના તૂટી પડવાના સમાચાર સાંભળી આઘાત લાગ્યો. 400થી વધુ લોકો ઘટનાનો ભોગ બન્યા મોરબી અને આજુબાજુના વિસ્તારના સૌ કોંગ્રેસના કાર્યકર અને આગેવાનોને નમ્ર વિનંતી કે તેઓ જલ્દીથી રાહત કાર્યમાં જોડાય લોકોની મદદ કરે. ઘટનામાં મૃતકોના પરિવારો માટે મારી સંવેદનાઓ.