વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રિલે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં બનેલા બનાસ ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. અંદાજે રૂ. 600 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ પ્લાન્ટ બનાસકાંઠા જિલ્લાના લોકો અને પશુપાલકો માટે એક મોટી ભેટ છે. તેનું કારણ એ છે કે, બનાસકાંઠા જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડૂતો દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલા છે અને આ પ્લાન્ટના નિર્માણ બાદ ખેડૂતોને આશા છે કે આગામી દિવસોમાં તેઓ વધુને વધુ પશુપાલન કરીને દૂધ ઉત્પાદનમાં વધારો કરી શકશે. 


બનાસકાંઠા જિલ્લાના દરેક ગામમાં હાલ પશુપાલનનો ઉદ્યોગ વિકસ્યો છે. હવે બનાસકાંઠા જિલ્લાની મહિલાઓ ખેતીની સાથે પશુપાલન પણ કરે છે અને હજારો લીટર દૂધ ડેરીમાં આપીને પોતાની આવકમાં વધારો કરે છે. બનાસ ડેરી બન્યા બાદ પશુપાલકો જેટલું દૂધ ડેરીમાં આપે છે એટલું તમામ દૂધ બનાસડેરી ખરીદે છે. જેના કારણે તેમની આવક પણ વધી રહી છે અને દૂધ પણ બગડતું નથી. છેલ્લા ઘણા વર્ષોમાં જોવા મળ્યું છે કે શિયાળાની ઋતુમાં બનાસ ડેરી રેકોર્ડ બ્રેક દૂધ ઉત્પાદન કરે છે. ત્યારે બનાસ ડેરીનો આ નવો પ્લાન્ટ દૂધની સ્ટોરેજ ક્ષમતામાં વધારો કરશે.


ડેરીની દૂધ ઉત્પાદન ક્ષમતામાં વધારોઃ
બનાસ ડેરી પશુપાલકો દ્વારા ઉત્પાદન થતું તમામ દૂધ ખરીદવામાં આવે છે. હાલ બનાસ ડેરીનો પાલનપુરમાં મોટો મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ આવેલો છે. પરંતુ આવનારા સમયમાં દૂધ ઉત્પાદન વધશે જેને ધ્યાનમાં રાખીને બનાસ ડેરીના હાલના ચેરમેન શંકર ચૌધરીએ દિયોદર તાલુકાના સણાદર ગામ પાસે બનાસ ડેરીનો બીજો મોટો પ્લાન્ટ નિર્માણ કરવાનો નિર્ણય કર્યો હતો. તત્કાલિન મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે થોડા વર્ષો પહેલાં જ આ પ્લાન્ટ બનાવવાની શરુઆત કરવામાં આવી હતી. ત્યારે હવે 19 એપ્રિલના દિવસે પ્રધનામંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ પ્લાન્ટનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આ પ્લાન્ટ ચાલુ થયા બાદ બનાસ ડેરીનું ઉત્પાદન બમણું થશે અને પશુપાલકોને મોટો ફાયદો થશે. 


હાલ બનાસકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદન માટે ઉભરતો જિલ્લો છે. બનાસકાંઠામાં મહિલા ખેડૂતો જ નહીં પણ પુરૂષ ખેડૂતોએ પણ તેમની પરંપરાગત ખેતીની સાથે-સાથે દૂધ ઉત્પાદનને તેમનો મુખ્ય રોજગાર બનાવ્યો છે. કેટલાક ગામોના 80 ટકા ખેડૂતો હવે દૂધનું ઉત્પાદન કરે છે. ત્યારે હવે આ નવા પ્લાન્ટના ઉદ્ઘાટનને લઈ પશુપાલકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.