બોટાદ: ગઢડા ગોપીનાથ મંદિર વધુ એક વખત મારામારીની ઘટનાને લઈને ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. ગઢડા મંદિરમાં સ્વામીનારાયણ સંપ્રદાયમાં ન શોભે તેવી ઘટના ફરી સામે આવતા સ્વામીનારાયણ સંપ્રદાયના લાખો હરીભક્તોના હૃદયને ઠેસ પહોંચી છે.

16 વર્ષ બાદ આચાર્યએ મંદિરમાં પ્રવેશ કર્યો ત્યારે મંદિરમાં આચાર્ય રાકેશપ્રસાદનો વિરોધ થયો હતો. મહિલાઓ દ્વારા આચાર્યનો વિરોધ કરતાં ઘર્ષણ થયું હતું અને મારામારીનાં દ્રશ્યો જોવા મળ્યાં હતાં.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, ગઈકાલે સાંજે ગઢડામાં આવેલા ગોપીનાથ સ્વામીનારાયણ મંદિરમાં મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે બુટ ચંપલ પહેરી મંદિરમાં પ્રવેશ કર્યો હતો જેના કારણે મહિલાઓ અને પોલીસ વચ્ચે આ બાબતને લઈને ઘર્ષણ થયું હતું.

પોલીસ અને હરિભક્તો વચ્ચે મંદિરમાં ઘર્ષણ સર્જાયું હતું જેને લઈ સ્વામીનારાયણ સંપ્રદાયના 200 વર્ષના ઈતિહાસમાં ન બન્યું હોય તેવી ઘટના સર્જાઈ હતી.