ભરૂચ નજીક મુલ્ડ ટોલ પ્લાઝા પાસે વાહન ચેકિંગ દરમિયાન ભરૂચ LCBએ મારૂતિ બ્રેઝા કાર રોકી હતી. આ કારમાંથી ગેરકાયદે 25 લાખ રૂપિયા સાથે 2 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ મામલે કારમાં સવાર 2 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.
પોલીસે કારમાં તપાસ કરતાં રોકડા 2૫ લાખ રૂપિયા ભરેલી થેલી મળી હતી. બંને શખસોએ આ રોકડા રૂપીયા સુરતના જયંતિભાઈ સોહાગીયા પાસેથી મેળવી કરજણના કોગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને પહોંચાડવાના હોવાની હકીકત જણાવી છે. નાણાં બેનામી હોવાની શંકા જતા પોલીસે આયકર વિભાગ, મુખ્ય ચુંટણી અધિકારી, જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર વડોદરાને જાણ કરવા તજવીજ હાથ ધરી છે. આ નાણા સુરત ખાતેથી મેળવેલાં હોવાથી આ બાબતે સુરત શહેર પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી છે.
કોણ છે ઝડપાયેલા લોકો?
પોલીસે રોકડ રૂપિયા અને કાર સાથે ઝડપાયેલા બન્ને લોકોની પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, એક કરજણ તાલુકાના ધાનેરા ગામના રહેવાસી દિપકસિંહ ચૌહાણ અને વડોદરાના વાસણા રોડ પર આવેલી અવધ સોસાયટીમાં રહેતા રવીભાઇ મોકરીયા હતા.
કબજે કરેલો મુદ્દામાલ
(૧) જુદા જુદા દરની ચલણી નોટો રોકડા રૂ.૨૫ લાખ
(૨) મોબાઇલ નંગ -૦૩ કિંમત રૂ.૧૨,૦૦૦
(૩) મારૂતિ બ્રેઝા કાર કિંમત રૂ.૫ લાખ
(૪) રૂ. ૩૦.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત