અમદાવાદઃ ધનજી ઓડ ઉર્ફે ઢબુડી વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરાઇ હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ધનજીએ એક મહિલાને સરકારી નોકરી આપવાનું કહીને બે લાખ રૂપિયા પોતાના ટ્રસ્ટમાં જમા કરાવી લીધા છે. મળતી જાણકારી અનુસાર, મૃણાલીની લેઉવા નામની મહિલાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને ધનજી સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે આરોપ લગાવ્યો છે કે ધનજીએ તેમની દીકરીની સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને માનતા રખાવી હતી અને તેમની પાસેથી બે લાખ રૂપિયા લીધા હતા પરંતુ બાદમાં તેમણે નોકરી અપાવી નથી.

મહિલાએ આરોપ લગાવ્યો કે ધનજીએ મોમાઇ માતા ભક્ત મંડળ ટ્રસ્ટમાં બે લાખ રૂપિયા જમા કરાવવાનું કહ્યુ હતું. આ માનતા રાખ્યા બાદ તેમની દીકરીને નોકરી મળી જશે તેવી વાત કરી હતી પરંતુ તેમની દીકરીને સરકારી નોકરી મળી નથી જેથી તેમની સાથે છેતરપિંડીનો અહેસાસ થતા તેમને ફરિયાદ માટે ચાંદખેડામાં કાર્યવાહી કરી હતી. અને જેમાં પોલીસે હાલ અરજી લીધી છે અને તપાસ શરુ કરી છે.



નોંધનીય છે કે આ અગાઉ  પેથાપુર પોલીસ સ્ટેશનમાં પણ ધનજી સામે એક અરજી થઈ છે. અરજીમાં અરજદારના પુત્રને કેન્સર મટાડી દેવાની વાત કરવામાં આવી હતી. અને તેની દવાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી.