શહેરના અડીને આવેલા ફાર્મ હાઉસમાં તેમજ પાર્ટી આયોજન કરતા લોકો સામે પોલીસ વોચ ગોઠવી દીધી છે. પાર્ટીની જગ્યાએ આયોજક અને મહેમાન તમામને નિયમ ભંગ બદલ પોલીસ સ્ટેશનની હવા ખાવી પડશે.તો દારૂની રેલમછેલ રોકવા માટે પણ ખાસ ડ્રાઈવ ચલાવામાં આવશે.
નાતાલના આડે હવે એક દિવસ જ બાકી છે અને થર્ટી ફર્સ્ટની ઉજવણી જોરશોરથી કરવાનું મન મનાવી રહેલા યુવાનોને માટે આ સાવધાની રૂપ સમાચાર છે. સાવચેતીના ભાગરુપે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આદેશ કર્યા છે.
ખાસ કરીને સુપ્રીમ કોર્ટના આદેશ અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના નિર્દેશનું ચુસ્ત રીતે પાલન થાય એ માટે સૂચનાઓ આપવામાં આવી છે. માત્ર તહેવારો અને ઉજવણી નહીં જ પરંતુ સાથે જ શાકભાજી અને હરાજીનો સ્થળો પર ખાસ આ સૂચનાનું પાલન થાય એ માટે પોલીસ દળને તૈનાત કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
જાહેર સ્થળો પર કોઈપણ પ્રકારની ઉજવણીની મંજૂરી અનિવાર્ય સંજોગો સિવાય પ્રશાસન આપશે પણ નહીં. નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે રાજ્ય સરકારે અત્યાર સુધી જે પ્રયાસો કર્યા તેના પર પાણી ન ફરી વળે તેનું ધ્યાન રાખવા પણ આદેશ કરાયા છે.