Gujarat Rain: હાલમાં સૌરાષ્ટ્ર પંથકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. તો કેટલાક ગામો બેટમાં ફેરવાયા છે. આવી સ્થિતિમાં રોડ રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ઈમરજન્સી દરમિયાન લોકોને ખુબ તકલીફ પડે છે. ગામમાં એમ્બ્યુલન્સ લાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
તો બીજી તરફ કુતિયાણાના સરડીયા નજીક પાણી ભરાઈ જતાં 3 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદની પરિસ્થિતિના કારણે કુતિયાણા ઘેડ પંથકમાં પાણી ભરાયા છે. કુતિયાણાના સરડીયા નજીક પાણી ભરાઈ જવાને કારણે 108 એમ્બુલન્સના ડ્રાઈવર અને મેડિકલ સ્ટાફ સહિત એક બાઇક સવાર પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા. જે બાદ કુતિયાણા વહીવટી તંત્ર અને કુતિયાણા પોલીસની મદદથી તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને 3 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
સૌરાષ્ટ્ર-કચ્છને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ પણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોધમાર વરસાદ વરસશે. અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેશે. આજે દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, સુરત, ભરૂચ, નવસારી અને વલસાડમાં મૂશળધાર વરસાદ વરસશે. આવતીકાલે અમદાવાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, બાનસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, નવસારી અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદ વરસશે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની કરાઈ આગાહી
23 જુલાઈના અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, પાટણ, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ અને આણંદ જિલ્લામાં જળબંબાકાર થશે. જ્યારે 24 જુલાઈના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસશે.
હવામાન નિષ્ણાત અંબાલાલે રાજ્યમાં હજુ પણ ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. આગામી 24 જુલાઈ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનો જોર યથાવત રહેશે, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર ,મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે,ઉત્તર ગુજરાત સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં પણ 24 તારીખ સુધી વરસાદનું જોર થાવત રહેશે. 27 જુલાઈથી વરસાદની અન્ય એક સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial