કચ્છ: રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાવાનો સીલસીલો યથાવત છે. આજે ફરી કચ્છ વિસ્તારમાંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. કચ્છના ગાંધીધામ નજીકથી ડ્રગ્સ ઝડપાયું છે. મીઠી રોહર નજીક ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવતા ચકચાર મચી છે. કરોડો રૂપિયાનો બિનવારસુ ડ્રગ્સનો જથ્થો પોલીસે કબ્જે કર્યો છે.
બાતમી આધારે પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું
પુર્વ કચ્છ પોલીસની સંયુક્ત કામગીરીથી ડ્રગ્સ પકડાયું છે. પ્રાથમિક તપાસમાં 80 KG જેટલા જથ્થાની કિંમત 800 કરોડની આસપાસ હોવાની વાત સામે આવી છે. FSLની મદદથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડ્રગ્સ ઉતારવાની બાતમી આધારે પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું. અત્યારે બિનવારસી જથ્થો કબ્જે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે કચ્છમાંથી ડ્રગ્સ ઝડપાયું હોય. આ પહેલા પણ કચ્છમાંથી ડ્રગ્સ મળતું રહ્યું છે. જોકે, પોલીસની સતર્કતાથી અનેક વખત મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઘણી વખત દરિયા કિનારે આવા માદક પદાર્થોના પેકેટ પોલીસને પેટ્રોલીંગ દરમિયાન મળી આવે છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા અભિનંદન
આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું કે, કચ્છના દરિયાકાંઠે ગુજરાત પોલીસની સતર્કતાથી રૂ.૮૦૦ કરોડની કિંમતનું કોકેઈન જપ્ત કરાયું. કચ્છ પૂર્વ એલ.સી.બી. શાખાને મળેલી બાતમીના આધારે મીઠીરોહર દરિયાકિનારે અમુક ઈસમોની શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર રાખતા તેઓ ડ્રગ્સનો જથ્થો સગેવગે કરે એ પહેલાં કચ્છ પોલીસની ટીમ દ્વારા દરોડો પાડીને ૮૦ કિલોગ્રામ કોકેઈન કબજે કરેલ છે. જેની કિંમત રૂ.૮૦૦ કરોડ થાય છે. ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સ સંબંધિત પ્રવૃત્તિઓ માટે કડક પગલાં લેવાય રહ્યા છે ત્યારે પૂર્વ કચ્છ પોલીસની સતર્કતા અને ડ્રગ્સ નાબૂદી અભિયાન માટેની સક્રિયતાને અભિનંદન.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial