Porbandar : પોરબંદરમાં પોરબંદર-કુતિયાણા નેશનલ હાઈવે (Porbandar Kutiyana National Highway)ઉપર ગંભીર અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ પોરબંદર-કુતિયાણા નેશનલ હાઈવે પર આખલો આડો પડતા આ ગંભીર અકસ્માત સર્જાયો, આ અકસ્માતને કારણે કુતિયાણાના આશાસ્પદ બે યુવાનોના મોત થયા છે. આ બન્ને યુવાનો બાઈક પર જતા હતા એ દરમિયાન આખલો આડો પડ્યો હતો અને અકસ્માત થતા બંને યુવાનો ગંભીર રીતે ઘવાયા હતા. 


પોરબંદર-કુતિયાણા નેશનલ હાઈવે  (Porbandar Kutiyana National Highway)પર કુતિયાણા આઈટીઆઈ નજીક મોડી સાંજે બનેલી અકસ્માતની આ ઘટાનામાં  આનંદ ખુંટી અને રાજુ દાસા નામના યુવાનોના મોત થયા છે. બે યુવાનોના મોતને પગલે કુતિયાણા પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. નેશનલ હાઈવે ઉપર રેઢિયાળ પશુઓના કારણે વધુ એક અકસ્માત સર્જાર્યો અને બે નિર્દોષ યુવાનોએ જીવ ગુમાવવો પડ્યો છે. 


રાજકોટમાં  ધમાલ અને મારામારી કરનાર પોલીસકર્મીની જિલ્લા બહાર બદલી
રાજકોટમાં ઈંડાની લારી પર ધમાલ અને મારામારી કરનાર પોલીસકર્મીની વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવ્યાં છે. રાજકોટમાં ઈંડાની લારી પર પૈસા ન આપી મફતમાં ઈંડા ખાઈ જઈ અને લારી માલિક દ્વારા પૈસા માંગતા પોલીસકર્મી ધમભા ઝાલાએ ધમાલ તેમજ મારામારી કરી હતી. આ સમગ્ર ઘટના બાદ લારી માલિકો અને લોકોમાં રોષ ફેલાયો હતો. આવા પોલીસકર્મીમને કારણે રાજકોટ પોલીસની છબી ખરડાઈ હતી, જે બદલ તેની સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. 


આ પ્રકરણમાં જેમના પર આરોપ હતો એ પોલીસકર્મી ધમભા ઝાલાની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે. પોલીસકર્મી ધમભા ઝાલાની પહેલા ક્રાઇમ બ્રાન્ચમાંથી એરપોર્ટ પોલીસ સ્ટેશન અને ત્યાંથી દેવભૂમિ દ્વારકા  બદલી કરવામાં આવી છે. આ પ્રકરણ ની તપાસ DCP ક્રાઇમ બ્રાન્ચ ડૉ પાર્થરાજ સિંહ ગોહિલને તપાસ સોપાઇ છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના શિસ્તરૂપી કડક પગલાંથી પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે.