Porbandar: પોરબંદરના મૌલવીની ઓડિયો કલીપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. નગીના મસ્જિદના મૌલ્વી વાસીફ રજાએ રાષ્ટ્ર ધ્વજ અને રાષ્ટ્ર ગીતનુ અપમાન કર્યું હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. વાયરલ ઓડિયો ક્લિપમાં મુસ્લિમોને બે પ્રશ્નોના જવાબમાં એવી શીખામણ આપવામાં આવી રહી છે કે ''તિરંગો રાષ્ટ્રધ્વજ ભલે ફરકાવો પણ તેને સલામી આપવાની નથી. એ જ રીતે, 'જન ગણ મન..' ગાવ, પણ તેમાંના 'જય હે..જય હે..' તથા 'ભારત ભાગ્ય વિધાતા' એ  શબ્દો મુસલમાનોએ બોલવાના હોતાં નથી.'' મૌલવીના આવા રાષ્ટ્રહિત વિરોધી નિવેદનને લઈ મુસ્લિમ સમાજમાં પણ રોષ ફેલાયો હતો અને આક્રોશ વ્યક્ત કર્યો હતો.


પોલીસે શું કહ્યું


મૌલવીના બકવાસ મુદ્દે પોલીસે કહ્યું, ઓડિયો ક્લિપની પુષ્ટિ કરવામાં આવી છે. ફરિયાદીએ ઓડિયો ક્લિપ સાથે ફરિયાદ આપી હતી. મૌલવી વસીફ રઝાએ વોટ્સએપ ગ્રુપ બનાવ્યુ હતું, વોટ્સએપ ગ્રુપ પર મેમ્બરે રાષ્ટ્રધ્વજ મુદ્દે સવાલ પુછ્યા હતા. વોટ્સએપ ગ્રુપમાં ઓડિયો મુકી મૌલવીએ જવાબ આપ્યો હતો. મૌલવીએ રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજને લઈ આપત્તિજનક વાત કરી હતી. તેણે રાષ્ટ્રગીતનું ગાન નહીં કરવાની વાત કરી હતી. મૌલવીના ઓડિયોથી વયમનસ્ય ફેલાવાની આશંકા છે. મૌલવી વસીફ રઝા વિરૂદ્ધ મુસ્લિમ સમાજના અગ્રણીએ વિરોધ નોંધાવ્યો હતો. મૌલવી વસીફ રઝા વિરૂદ્ધ રાષ્ટ્રના અપમાન કરવાની કલમો લગાવાઈ છે અને હાલ તેની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે.


પોરબંદરની નગીના મસ્જિદ ટ્રસ્ટના પ્રમુખ અને દારૂલ ઉલુમ ગૌષે આઝમ ટ્રસ્ટના ટ્રસ્ટી યુસુફ મોહમ્મદ પુંજાણી દ્વારા આબીદ અનવર કાદરી, યુનુસ કાદરી, ઈકબાલ અનવર કાદરી, સમીર યુનુસ કાદરી, શકીલ યુનુસ કાદરી, ઈમ્તીયાઝ હારૂન સિપાહી તેમજ બીજા પાંચ- છ અજાણ્યા માણસો વિરૂધ્ધ ફરિયાદ કરવામાં આવી છે કે આ શખ્સોએ નગીના મસ્જીદના ઈમામ (ધર્મગુરૂ) હાફીઝ વાસીફ રઝાએ મસ્જીદમાં આપેલ ધામક પ્રવચનનો વિરોધ કરી હાફીઝ વાસીફ રઝાને તથા તેના અનુયાયીઓને ગાળો આપી, સાજીદ અમીન ગીગાણીને ઢીકા પાટુનો માર મારી, હાફીઝ વાસીફ રઝાને તથા મુસ્લીમ આગેવાનોને મારી નાખવાની ધમકી આપી હતી તથા મૌલાના હાફીઝે નગીના મસ્જીદમાં આપેલાં ધામક પ્રવચન વિરૂધ્ધ બેફામ અપશબ્દો બોલી ધામક લાગણી દુભાવી ધમકીભરી વોઇસ કલિપ લોકોને મોકલાવી હતી.


ઉપરોક્ત વિગતોવાળી ફરિયાદને પગલે મુસ્લિમ સમાજના ત્રણ યુવાનોએ ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં અને તેના જ સમાજના સાત આઠ શખ્સોના લીધે તેવું આવું પગલું ભરી રહ્યા હોવાનું જણાવીને દવા પી લેતાં તેને સારવાર માટે હોસ્પિટલ લવાયા હતા. અલબત્ત, આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાવાઈ નથી પરંતુ શકીલ કાદરી સૈયદ, સોઈબ ઈબ્રાહીમ પરમાર અને ઈમ્તિયાઝ હારૂન સિપાહીએ ઇન્સ્ટામાં રીલ્સ બનાવ્યું તેમાં તેઓએ એવું જણાવ્યું હતું કે તેમના જ મુસ્લિમ સમાજના 7 થી 8 લોકો તેમને ખોટી રીતે હેરાન અને બદનામ કરી રહ્યા હોવાથી આ પગલું ભરવું પડે છે. વધુમાં જણાવ્યું હતું કે તે શરિયતનો મસલો પૂછવા માટે ગયા હતા પરંતુ તેમને ખોટી રીતે તેમના જ સમાજના લોકો બદનામ કરી રહ્યા છે. સરકારી હોસ્પિટલે તેમને દાખલ કરવામાં આવ્યા બાદ તેમના પરિવારના સભ્ય કાદરી આબિદ હુસેન અનવર અલી સૈયદે પણ એ જ આક્ષેપ દોહરાવીને ઉમેર્યું કે ''સોશિયલ મીડિયામાં એક બાબત વાયરલ થઈ હતી, જેમાં રાષ્ટ્રગીતમાં અમુક શબ્દો નહીં બોલવાનું કહેવામાં આવ્યું હતું. આથી તે અંગે પૂછપરછ કરવા ગયા ત્યારે તેમને એ લોકોએ ગાળો દઈને ધમકાવ્યા હતા અને ત્યારબાદ દારૂલ ઉલુમ અને મસ્જિદમાં એલાન કર્યું હતું અને છોકરાઓ ઉપર ખોટી રીતે આક્ષેપ કર્યા હતા તેથી ત્રણેયે આ અંતિમ પગલું ભરવાની ફરજ પડી છે.''