સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લામાં પ્રાથમિક શાળાના બાળકોને આઈશર ટેમ્પોમાં મુસાફરી  કરાવતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. તપાસ કરવા અને જવાબદારો સામે પગલાં લેવા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મારફતે તપાસ કરવા આદેશ આપવામાં આવ્યા છે.  હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. રાજ્યમાં અવારનવાર નાના બાળકો અને વિદ્યાર્થીઓને જોખમી સવારી કરાવતા હોવાના વીડિયો વાયરલ થતા રહે છે.

  


રાજ્યમાં પ્રાથમિક શાળાના બાળકોને જોખમી રીતે વહન કરાવવામાં આવતા હોવાના કિસ્સાઓ અનેક વાર પ્રકાશમાં આવે છે.  અનેક વખત  અઘટિત ઘટનાઓ પણ બની છે ત્યારે આવી જ એક ઘટના સાબરકાંઠા જિલ્લામાં સામે આવી છે.  સાબરકાંઠા જિલ્લાના વડાલી પ્રાથમિક શાળા બેના બાળકોને ઈડર તાલુકાના ચોરીવાડ પ્રાથમિક શાળામાં પ્રી વોકેશનલ કેમ્પમાં લઈ જવામાં આવી રહ્યા હતા. જોકે બાળકોને આઇશર માલવાહક ટેમ્પોમાં ખીચો ખીચ ભરી જોખમી રીતે મુસાફરી કરાવતા હોવાનો વિડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં તમે જોઈ શકશો  કે કઈ રીતે બાળકોને ટેમ્પોમાં બેસાડી લઈ જવામાં આવી રહ્યા છે. ત્યારે મહત્વની વાત એ છે કે શું રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા બાળકો માટે બસની કોઈ વ્યવસ્થા કેમ કરવામાં આવી નહી. બાળકોને આ રીતે જોખમી સવારી કોણે કરાવી. વડાલી પ્રાથમિક શાળા દ્વારા કેમ બસની વ્યવસ્થા કરવામાં આવી નહી. આ પ્રકારના પ્રશ્નો હાલ તો ચર્ચામાં છે. આ ઘટનાને લઈ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.  


જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તપાસના આદેશ અપાયા


જોકે શિક્ષકો દ્વારા જીવના જોખમે બાળકોને મુસાફરી કરાવી રહ્યા છે ત્યારે અનેક સવાલો ઊભા થતા હોય છે.  બે અલગ-અલગ આઈશર ટેમ્પોમાં બાળકોને વડાલી પ્રાથમિક શાળા નંબર બેમાંથી ઇડર તાલુકાના ચોરીવાડ પ્રાથમિક શાળા સુધી લઈ જવામાં આવી રહ્યા હતા.  જોકે સમગ્ર ઘટના પ્રકાશિત થતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.  જવાબદારો સામે તપાસ કરી પગલાં ભરવા માટે પણ હાલ આદેશ આપી દેવામાં આવ્યા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા વડાલી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને સમગ્ર મુદ્દે તપાસ કરવા માટે સૂચન કરી દેવામાં આવ્યું છે.