ગાંધીનગરઃ ગુજરાત સરકારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ કરીને પછી ગુરૂવારે અચાનક જ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન રદ્દ કરવાની જાહેરાત કરીને આશ્ચર્ય સર્જી દીધું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ફોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન રદ્દ કરવાની જાહેરાત કરવાની ફરજ પાડી હોવાની ચર્ચા છે.
ગુરૂવારે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અન્ય સિનિયર મંત્રીઓ અને સિનિયર અધિકારીઓની બેઠક હતી. વાયબ્રન્ટ સમિટના આયોજન સ્થળ મહાત્મા મંદિર ખાતે ચાલી રહેલી તૈયારી અને આયોજનની સમીક્ષા માટે બેઠક યોજાવાની હતી પણ તેના બદલે અચાનક સમિટ જ રદ્દ કરાઇ હોવાની જાહેરાત કરી દેવાઈ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત સરકારે બુધવારે વાયબ્રન્ટ સમિટના આયોજનને કારમે કોરોના વકરવાની આશંકા વ્યક્ત કરતો એક પત્ર વડાપ્રધાન કાર્યાલયને લખ્યો હતો. તેના જવાબમાં નરેન્દ્ર મોદીએ ફોન કરીને સૂચના આપતાં ગુજરાત સરકારે આ આયોજન રદ્દ કર્યું છે.
આ પહેલાં મંગળવારે એક સાથે રાજ્યના પાંચ વરિષ્ઠ અધિકારી કોવિડ પોઝિટિવ આવ્યા હતા. આ તમામ અધિકારી વાઇબ્રન્ટ સંબંધિત જવાબદારીઓ સાથે સંકળાયેલાં હતાં. અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ તેમની સાથે સતત બેઠકો યોજતાં હોવાથી ઘણાં અધિકારીઓને કોરોનાનો ચેપ લાગવાનો ખતરો ઉભો થયો હતો. ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી જીતુ ચૌધરી પણ કોવિડ પોઝિટીવ આવ્યા છે. આ કારણોસર રાજ્ય સરકારે મોદી પાસે વાયબ્રન્ટ સમિટ રદ કરવાની મંજૂરી માંગી હતી.
આ સમિટમાં હાજરી આપવા રશિયાના વડાપ્રધાન એક મોટું પ્રતિનિધીમંડળ લઇને આવી ગયા હતા પરંતુ સમિટ રદ થતા તે પાછા ફર્યા છે. આ સમિટમાં મોઝામ્બિકના રાષ્ટ્રપતિ પણ આવવાના હતા પરંતુ તેઓ પણ કોરોના પોઝિટીવ આવતાં તેમણે પ્રવાસ રદ્દ કર્યો હતો. આ ઉપરાંત ઘણાં બધાં દેશોના અને ભારતના રાજકીય અને બિઝનેસ પ્રતિનિધી મંડળોએ પણ આવવા અંગે સંકોચ વ્યક્ત કરીને નહીં આવવા બદલ ક્ષમા માંગતો પત્ર મોકલ્યો હતો. ગુજરાત સરકારને ભય હતો કે વધતાં જતાં સંક્રમણને કારણે આગેવાનોએ સમિટમાં નહીં આવવાનો નિર્ણય લીધો હોવાને કારણે આ સમિટના આયોજનનો અર્થ રહે નહીં. આ સંજોગોમાં સમિટ રદ્દ કરવી વધુ હિતાવહ રહેશે.