અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનો આજથી બે દિવસનો ગુજરાત પ્રવાસે આવશે. પીએમ મોદી આજે સવારે 9-30 વાગ્યાથી 10 વાગ્યાની વચ્ચે અમદાવાદ એયરપોર્ટ પર આવી પહોંચશે. સવારે 10-30 વાગ્યે પીએમ મોદી ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાના ઘરે પહોંચશે. જ્યાં સ્વર્ગસ્થ કેશુબાપાને શ્રદ્ધાંજલી પાઠવીને તેમના પરિવારને સાંત્વના પાઠવશે.

ત્યાંથી પીએમ મોદી સ્વર્ગસ્થ નરેશ કનોડીયા અને મહેશ કનોડીયાના નિધન પર શોક વ્યક્ત કરવા તેમના નિવાસસ્થાને પણ જઈ શકે છે. પીએમ મોદી રાયસણમાં માતા હીરા બાના આશિર્વાદ લેવા માટે પણ જઈ શકે છે. જ્યાંથી પીએમ મોદી વિધાનસભા હેલીપેડથી કેવડીયા જવા માટે રવાના થશે.

સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪પમી જન્મજ્યંતિએ કેવડીયામાં સરદાર પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ભાવાંજલિ આપશે અને રાષ્ટ્રીય એકતા પરેડનું નિરીક્ષણ કરશે. આ સાથે જ મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડીયાના સંકલિત વિકાસ માટેના વિવિધ ૧૭ પ્રોજેકટસના લોકાર્પણ પણ કરશે.

પ્રધાનમંત્રી મોદીના પ્રવાસ દરમિયાન તેઓ ૪ નવા પ્રોજેકટના શિલાન્યાસ કરશે. આ ઉપરાંત તેઓ કેવડીયા-અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ સુધીની દેશની પ્રથમ સીપ્લેન સેવાનો પ્રારંભ કરાવશે.