ગુજરાતમાં હવે કોરોના સંક્રમણના કેસ ઘટતા રાજય સરકારે તમામ સરકારી કચેરીઓમાં કર્મચારીઓની હાજરી 100 ટકા નિશ્ચિત કરવાની જાહેરાત કરી છે. 7 તારીખથી તમામ સરકારી-ખાનગી કચેરીઓ 100 ટકા હાજરી સાથે ધમધમશે. રાજયમાં કોરોનાની બીજી લહેર અને નાઈટ કર્ફયુ સહિતના નિયંત્રણો લદાતા તેની સાથે સંક્રમણને રોકવા માટે તમામ સરકારી કર્મચારીઓમાં રોટેશન મુજબ 50 ટકા સ્ટાફને હાજરી આપવાની છૂટ જારી કરી હતી.
જયારે સંક્રમણ પીક પર જતું હતું તે સમયે આવશ્યક સિવાયની તમામ સરકારી કચેરીઓને પ્રથમ અને ત્રીજા શનિવારે પણ બંધ રાખવાના આદેશ અપાયા હતા પણ હવે રાજયમાં કોરોનાની સ્થિતિ સામાન્ય થતા જ રાજય સરકારે 7 તારીખ સોમવારથી તમામ સરકારી અને અર્ધસરકારી ઉપરાંત નિગમોની કચેરીમાં નિયત સમય મુજબ 100 ટકા હાજરી સાથે કાર્યરત થશે તેવી જાહેરાત થઈ છે. ઉપરાંત કાલે પ્રથમ શનીવારે પણ તમામ કચેરીઓ ચાલું જ રહેશે અને અગાઉની જેમ બીજા અને ચોથા શનીવારે જ સરકારી કચેરીઓ બંધ રહેશે. આ રાજયના સચીવાલય સહિતની તમામ સરકારી કચેરીઓને આ આદેશ આપી દેવામાં આવ્યા છે.
મુખ્ય સચિવની સૂચનાથી બહાર પાડવામાં આવેલા આદેશમાં તમામ પેન્ડીંગ કામોનો પણ તાત્કાલીક નિકાલ કરવાની સૂચના આપવામાં આવી છે તથા 100 ટકા હાજરી પણ સુનિશ્ચિત કરવા માટે જણાવાયું છે. બીજી તરફ સરકારે હવે તમામ ખાનગી કચેરીઓને પણ તેમના નિયમ મુજબ 100 ટકા હાજરી સાથે કામકાજની છૂટ આપી છે તથા તેમના કામકાજના કલાકો સુધી કામગીરી કરશે.
કોરોના વાયરસની રફતાર ધીમી પડી
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,207 નવા કેસ નોંધાયા છે અને 17 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9890 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 3,018 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 7,78,976 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 24404 પર પહોંચ્યો છે. જેમાંથી 429 દર્દી વેન્ટિલેટર પર અને 23975 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.78 ટકા છે.