અમદાવાદઃ સ્કૂલ ફી વિવાદની વચ્ચે જૂનાગઢના વાલીઓ માટે સારા સમાચાર આવ્યા છે. ખાનગી શાળાની ફી ઘટાડા મુદ્દે જૂનાગઢની સ્વનિર્ભર શાળાઓએ પહેલ કરી છે. જૂનાગઢની 300 સ્વનિર્ભર શાળાઓએ ફીમાં 25 ટકા ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.


શાળાઓ શરૂ ના થાય ત્યાં સુધી 25 ટકા ફીમાં ઘટાડો કરવા સ્વનિર્ભર શાળાઓ સંમત થઈ છે. મહત્વનું છે કે, ખાનગી શાળાની ફીમાં ઘટાડા મામલે નિર્ણય કરવા ગુજરાત હાઈકોર્ટે સરકારને નિર્દેશ કર્યો છે. સરકાર આ મામલે આગામી દિવસોમાં સ્વનિર્ભર શાળા સંચાલકો સાથે બેઠક યોજવાની છે. ત્યારે જૂનાગઢ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે બેઠક પહેલા જ ફીમાં ઘટાડાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી જૂનાગઢ જિલ્લાના વિદ્યાર્થીઓના વાલીઓને મોટી રાહત મળશે.

બીજી બાજુ ખાનગી શાળાની ફી માફીનો મુદ્દો ગુજરાત વિધાનસભામાં પણ ગૂંજ્યો હતો. કૉંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ફી માફી મામલે ટૂંકી મુદતનો પ્રશ્ન રજૂ કરતા શિક્ષણમંત્રીએ કહ્યું, શાળા સંચાલકો સાથે ચર્ચા ચાલી રહી છે. આ મામલે વધુ ચર્ચા થાય તે પહેલા જ અધ્યક્ષે ટૂંકી મુદતના પ્રશ્નનો સમય પૂર્ણ થયાની જાહેરાત કરતા કૉંગ્રેસના ધારાસભ્યોએ નારાજગી વ્યકત કરી અને ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો.

કૉંગ્રેસ એક સત્રની ફી માફ થાય તે માટે માગ કરી રહી છે. તો બીજી તરફ શિક્ષણ મંત્રી શાળા સંચાલકો સાથે બેઠક કરવાનું એ જ જૂનું રટણ કરતા સાંભળવા મળ્યા હતા. શિક્ષણમંત્રીએ કહ્યું, આ મુદ્દાને અમે ક્યારેય રાજકીય મુદ્દો બનાવ્યો નથી. મહત્વનું છે કે, ખાનગી શાળાની ફી માફી મામલાની તમામ અરજીનો ગુજરાત હાઈકોર્ટ નિકાલ કરી ચૂકી છે. સાથે સરકાર પાસે પૂરતી સત્તા હોવાનું કહીં સરકારને જ નિર્ણય લેવા આદેશ કર્યો છે.