અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીએ આજે અનેક રાજ્યોમાં પ્રભારી અને સહપ્રભારીની નિમણૂક કરી છે. ઘણા દિગ્ગજ નેતાઓને તેમાં સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને પંજાબના પ્રભારી તરીકે યથાવત રાખવામાં આવ્યા છે. બીજા સૌથી મોટા સમાચાર છે કે દુષ્યંત પટેલને દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રભારી બનાવાયા છે. આ હવાલો પહેલા ગુજરાત ભાજપના નેતા પૂર્ણેશ મોદી પાસે હતો. પૂર્ણેશ મોદીને હટાવાયા છે. દુષ્યંત પટેલ પહેલા સહપ્રભારી હતા.
ભાજપે રાજ્યમાં નો રિપીટ થિયરી લાગુ કરી ત્યારે વિજય રૂપાણીને હટાવવામાં આવ્યા હતા. ત્યારે ભૂપેન્દ્ર પટેલની પ્રથમ ટર્મમાં પૂર્ણેશ મોદી કેબિનેટ મંત્રી બન્યા હતા બાદમાં તેમને હટાવાયા હતા. પૂર્ણેશ મોદી સરકાર અને સંગઠનમાં અનેક જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે.
કોણ છે પૂર્ણેશ મોદી
પૂર્ણેશ મોદી સુરતના છે. તેઓ ગુજરાત સરકારમાં મંત્રી તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે. પૂર્ણેશ મોદીએ હાલમાં જ જે પી નડ્ડા અને અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે પૂર્ણેશ મોદીનું નામ ચર્ચામાં છે. પૂર્ણેશ મોદી ભાજપના ઓબીસી નેતા છે અને ગુજરાત સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. પૂર્ણેશ મોદી રાહુલ ગાંધી પર માનહાનીનો કેસ કરી સમગ્ર દેશમાં ચર્ચામાં આવ્યા હતા.
પૂર્ણેશ મોદી વિધાનસભામાં સંસદીય સચિવ પણ રહી ચૂક્યા છે. શરૂઆતથી જ ભાજપમાં સક્રિય રહેલા પૂર્ણેશ મોદી સુરત મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ સુરત શહેર ભાજપના પ્રમુખ પણ બન્યા હતા. તેઓ સુરત મહાનગરપાલિકામાં વર્ષ 2000થી 2005 સુધી કોર્પોરેટર રહી ચૂક્યા છે. આ દરમિયાન તેઓ સુરત મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા પણ હતા.
આ સિવાય તેઓ સુરત મહાનગરપાલિકામાં સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા હતા. ત્યારબાદ તેઓ 2009થી 2012 અને 2013થી 2016 સુધી ભાજપ શહેર પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
દીવ દમણ બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની જીત થઈ હતી. ભારતીય જનતા પાર્ટીને આ બેઠક પર મોટો ઝટકો લાગ્યો છે. નવા પ્રભારીઓની યાદી મુજબ પૂર્ણેશ મોદીને પ્રભારી તરીકે હટાવવામાં આવ્યા છે. હવે આવનારા સમયમાં એ જોવાનું રહેશે કે શું ભાજપ પૂર્ણેશ મોદીને કોઈ મોટો હોદ્દો આપે છે કે કેમ.