Rain disaster in Amreli: અમરેલી જિલ્લામાં ભારે ઉકળાટ અને ગરમી બાદ આજે વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જિલ્લાના 6 તાલુકામાં કુલ 10 ઇંચથી વધુ વરસાદ નોંધાતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સાવરકુંડલા તાલુકામાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
ક્યાં કેટલો વરસાદ?
આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધાયેલ વરસાદ નીચે મુજબ છે:
રાજુલા: 66 મી.મી.
સાવરકુંડલા: 58 મી.મી.
ખાંભા: 37 મી.મી.
લિલિયા: 35 મી.મી.
જાફરાબાદ: 31 મી.મી.
બગસરા: 20 મી.મી.
અમરેલી: 17 મી.મી.
આ વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી ભારે રાહત મળી છે.
લિલિયામાં ST બસ પાણીમાં ફસાઈ, મુસાફરોનો આબાદ બચાવ
લિલિયા તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદને કારણે ભોરીગડા ગામે એક મોટી ઘટના બનતા સહેજમાં ટળી હતી. ભોરીગડા ગામે બની રહેલા કોઝવેને કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. ભારે વરસાદના કારણે આ ડાયવર્ઝનમાં પાણી ભરાઈ જતાં એક ST બસ ફસાઈ ગઈ હતી. બસ પાણીમાં ફસાતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા, જોકે, સ્થાનિકો અને તંત્રની મદદથી તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
ખેતરો બેટમાં ફેરવાયા, નદીઓમાં ઘોડાપૂર
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે, ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે. અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થતાં રોડ રસ્તાઓ અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ધીમી ધારે વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે, અને તેઓ વાવણીલાયક ભારે વરસાદની રાહ જોઈ રહ્યા છે.
વરસાદના કારણે જિલ્લાની નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે. રાજુલાના બર્બટાણા ગામ પાસે આવેલી ઘિયાલ નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેના કારણે નદીના ધસમસતા પ્રવાહના લીધે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, જેથી સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા.
સાવરકુંડલા શહેરમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને આસપાસના તમામ ગ્રામીણ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ભારે વરસાદના લીધે ખેતરોમાં પાણી ભરાયા છે અને અનેક ચેકડેમો પણ છલકાઈ ગયા છે. સાવરકુંડલાની નાવલી નદી, ઘોબા ગામ નજીક ફલકું નદી, મેરામણ નદી અને ગાધકડા, ડુંગર ગામની સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપૂર આવ્યું છે.
વરસાદ ક્યાં ક્યાં ખાબક્યો?
ધારી શહેર અને ધારીના ઝર, મોરજર, ખીચા, વીરપુર, દૂધાળા, પાતળા, બગસરાના મોટા મુંજયાસર, નાના મુંજયાસર, માનેકવાડા, હળીયાદ, શાપર, સુડાવડ અને ખાંભાના ડાઢીયાળી, દિવાના સરાકડીયા, કોદીયા, નાના કણકોટ, નાના રાજકોટમાં વરસાદ ખાબક્યો છે. સાવરકુંડલાના ઘોબા, પીપરડી, ફિફાદ, ભમોદ્રા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.