રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. આજે બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 42 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે.  હવામાનના મતે રાજ્યમાં છૂટ્ટો છવાયો વરસાદ રહેશે. જો કે આજે દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે.  ગુજરાત હવામાન વિભાગ (Gujarat Weather Department) દ્વારા આગામી બે ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. તંત્ર દ્વારા એવા વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી છે.


હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી 30 જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં 30 જુલાઈ સુધી વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ થવાની સંભાવના છે. બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે.


અમરેલીના રાજુલાના ધાતરવાડી-2 ડેમ 90 ટકાની સપાટી ભરાતા હાઈઅલર્ટ આપવામાં આવ્યુ છે. જિલ્લાના કેટલાક વિસ્તાર અને ઉપરવાસના કેટલાક વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદ વરસી રહ્યો છે. એવામાં ધાતરવાડી-2 ડેમમાં પાણીની સતત આવક થતા ડેમ 90 ટકાની સપાટી ભરાતા હાઈઅલર્ટ અપાયુ છે.  હાલ પાણીનું  લેવલ જાળવવા માટે 1 દરવાજો ખોલાયો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારને અલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.


ડાંગ, તાપી, વલસાડ, નવસારી અને દાદરાનગર હવેલીમાં વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.  અમદાવાદમાં હળવો વરસાદ પડી શકે છે.  હવામાન વિભાગના મતે બંગાળની ખાડીમાં લો પ્રેશર બનતા મધ્યપ્રદેશમાં વ્યાપક વરસાદ થશે.  આ લો પ્રેશરની અસર 31 જુલાઈ અને 1 ઓગસ્ટે જોવા મળી શકે છે. રાજ્યમાં હજુ પણ 29 ટકા વરસાદની ઘટ છે. અત્યાર સુધી સાડા નવ ઈંચથી વધુ વરસાદ નોંધાયો.


એન.ડી.આર.એફ.ની કુલ 15 ટીમમાંથી 8 ટીમો ડીપ્લોય કરવામાં આવેલ છે. જે પૈકી વલસાડ, સુરત, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, જુનાગઢ, કચ્છ અને મોરબી ખાતે 1-1 ટીમ ડીપ્લોય કરવામાં આવી છે. અને  2-ટીમ વડોદરા અને 1-ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવેલ છે. એસ.ડી.આર.એફ.ની કુલ 11 ટીમ હવામાન વિભાગની આગાહી ધ્યાને લઇ એલર્ટ રાખવામાં આવેલ છે.