રાજ્યમાં નૈઋત્યના ચોમાસાનું વિધિવત રીતે આગમન થાય તેની ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે પ્રિ-મોનસૂન એક્ટિવિટીના પગલે રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે. રવિવારે સવારના છ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધીમાં રાજ્યના 70 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં મહીસાગરના સંતરામપુરમાં સૌથી વધુ ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જૂનાગઢ શહેર અને તાલુકામાં સૌથી વધુ પોણા બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ સિવાય રાજ્યના 12 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.


રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રવિવારે બપોર બાદ રાજ્યના મોટાભાગના શહેરોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જૂનાગઢ શહેર અને જૂનાગઢ ગ્રામ્ય અને અમરેલીના વડિયામાં સાંજે ચાર વાગ્યાથી છ વાગ્યા દરમિયાન જ દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જ્યારે એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોય તેમાં સાબરકાંઠાનું વડાલી, અમરેલીનું વડીયા, દાહોદ, નવસારીનુ ખેરગામ, જામનગરનું કાલાવડ, ડાંગના સુબીરનો સમાવેશ થાય છે.


તો આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લા સહિત કચ્છ, અમદાવાદ, ખેડા, આણંદ. સુરત, ડાંગ, તાપી, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દીવમાં વરસાદ વરસશે.


જ્યારે 14 અને 15 જૂનના સૌરાષ્ટ્ર-કચ્છ, આણંદ. ખેડા, સુરત, ડાંગ, તાપી,ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દીવમાં વરસશે વરસાદ.


હવામાન વિભાગના મતે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે, આ વખતે ચોમાસું કેરળમાં નિયત સમય કરતાં 3 દિવસ પહેલાં 29 મે ના જ પહોંચી ગયું હતું,


અમદાવાદમાં વરસાદ પડ્યો


અમદાવાદમાં રવિવારે રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવતા શહેરના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન સતત વાદળછાયા વાતાવરણ બાદ રવિવારે રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી. નદીપારના પશ્ચિમના વિસ્તારોમાં વરસાદના ભારે ઝાપટા પડ્યા હતા, તો આ સિવાય શહેરના કોટ વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.


અમદાવાદમાં આજે પણ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદમાં આગામી ત્રણ દિવસ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે અને આવતીકાલે જ્યાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવવા ઉપરાંત વરસાદની સંભાવના છે. તો સિઝનના પ્રથમ વરસાદે જ અમદાવાદ મહાનગરપાલિકાની પ્રિ-મોનસૂન પ્લાનને પણ ધોઈ નાંખ્યો હતો, કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસતા પાણી ભરાયા હતા. કેટલાક વિસ્તારોમાં રોડ-રસ્તાઓ પાણી પાણી થયા હતા, તો શેલા અને બોપલ વિસ્તારમાં થોડા સમય માટે વીજળી પણ ગુલ થઈ હતી.