Gujarat Rain Update:હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે  બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો. સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે જિલ્લાના 10 ગામોનું જનજીવન પ્રભાવિત થયું છે. પાલનપુરમાં ભારે વરસાદના કારણે  રસ્તા  પાણી ભરાયા છે. મલાણા પાટીયા નજીક પાણી ભરાતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે.પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે.


બનાસકાંઠામાં ડીસા, કાંકરેજ અને દાંતા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદ શરૂ થતા જ ડીસા શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. કાંકરેજના ઉંબરી, ખીમાણા, શિહોરી સાહિતના વિસ્તારો ભારે વરસાદના કારણે પાણી પાણી થઇ ગયા. .ડીસામાં અમન પાર્ક સોસાયટી સહિત કેટલીક સોસાયટીમાં પાણી ભરાતા લોકો પરેશાન જોવા મળ્યાં.




મહીસાગર જિલ્લામાં પણ  સાર્વત્રિક વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અહીં સંતરામપુર, કડાણા અને ખાનપુરમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા,લુણાવાડા, વિરપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ આફતરૂપ બન્યો અનેક નીચાણવાળા વિસ્તાર પાણી પાણી થઇ ગયા.


ભરૂચમાં પણ ઉપરવાસ વરસાદના કારણે અનેક વિસ્તાર પાણી પાણી થઇ ગયા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભરૂચ પાસેથી પસાર થતી ભૂખી ખાડી ઓવરફ્લો થતાં પાંચ ગામોમાં  કેડસમા પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. અહીં સેગવામાં ચાર ગર્ભવતી મહિલા સહિત 25થી વધુ લોકોનું  રેસ્ક્યું કરવામાં આવ્યું છે.




સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભાવિકોની માટે વરસાદ વિઘ્નરૂપ બન્યો ઉલ્લેખનિય છે કે, પુરુષોત્તમ મહિનાની એકાદશીમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળે છે. ધોધમાર વરસાદ વરસતા મંદિરની બહાર પાણી  ભરાયા છે. જો કે  ભારે વરસાદ વચ્ચે પણ રણછોડા રાયજીના બાળ સ્વરૂપ ગોપાલ લાલજીની સવારી નીકળી હતી.




પંચમહાલ જિલ્લામાં પણ મેઘરાજાએ જમાવટ કરી. ગોધરા પંથકમાં એક કલાકમાં દોઢથી બે ઈંચ વરસાદ વરસ્યો. યોગેશ્વર સોસાયટી, ભુરાવાવ, એસ ટી બસ સ્ટેન્ડ ,રોયલ હોટલ ત્રણ રસ્તા, પોલન બજાર, સિગ્નલ ફળિયા સહિતનાં મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યાં. વાવડી, વેગનપુર , છબંનપુર સહિતના ગામોમાં પણ વરસાદના કારણે પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું.


ગીર સોમનાથ જિલ્લાના દરિયા કાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. અહીં કોડીનાર-સુત્રાપાડાના અનેક ગામોમાં વિરામ બાદ વરસાદ વરસતા ગરમી અને બફારાથી રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડર પ્રસરી ગઇ હતી.