અમદાવાદઃ હવામાન વિભાગે ઉત્તર ભારતમાં આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર હરિયાણાના મધ્ય વિસ્તારમાં લો પ્રેસર સર્જાતા જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ અને બિહારમાં આગામી 2 દિવસમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.


હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલ પ્રદેશમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. મનાલી અને કુલ્લુ જેવા જિલ્લામાં વરસાદને કારણે અનેક સ્થળોએ ભૂસ્ખલન થયું છે. તેમજ લેહ રોડ પર લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

હવામાન વિભાગ અનુસાર 19 ઓગસ્ટે પૂર્વી ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢમાં ભારે વરસાદ પડી શકે છે. 20 ઓગસ્ટના રોજ કેરળ, કોસ્ટલ કર્ણાટક, પૂર્વી ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભારે વરસાદની સંભાવના છે. અહીં 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકનો પવન ફૂંકાઇ શકે છે. માછીમારોને અરબી સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

21 ઓગસ્ટના રોજ કેરળના કેટલાક ભાગોમાં દક્ષિણ કર્ણાટકના દરિયાઇ અને આંતરિક ભાગો, અંડમાન અને નિકોબાર આઇલેન્ડ, પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વી રાજસ્થાન, કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશ અને છત્તીસગ ઢમાં ભારે વરસાદની ચેતવણી છે.

ગુજરાતની વાત કરીએ તો હવામાન વિભાગે અમદાવાદ, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ચોવીસ કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે.