Rain News: ગુજરાતમાં આજથી પવિત્ર નવરાત્રી પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે, પરંતુ આ બધાની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે, આ નવરાત્રીમાં ખેલૈયાનો મૂડ બગડી શકે છે, કેમ કે રાજ્યમાં ફરી એકવાર વરસાદી રાઉન્ડ શરૂ થવા જઇ રહ્યો છે. આગાહી પ્રમાણે આજથી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે. 


છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યામાં વરસાદે રિએન્ટ્રી કરી છે, આ સિલસિલો હવે નવરાત્રીમાં પણ ચાલુ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યામાં આજથી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની પડવાની આગાહી છે. આજે સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી, ગીર સોમનાથ અને અમરેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે જ સંઘપ્રદેશ દમણ, દાદરા નગર અને હવેલી સહિત દીવમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આજે અમદાવાદમાં સાંજે સામાન્ય વરસાદી ઝાંપટા આવી શકે છે. 


જો કે ખેલૈયાઓ માટે રાહતની વાત એ છે કે બાકીના નોરતામાં વરસાદની સંભાવના નહીંવત પ્રમાણમાં છે. હવામાન નિષ્ણાંતોના મતે પણ વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. જેને લઈ ભારે વરસાદના કોઈ સંકેત નથી, એટલે કે ખેલૈયાઓમાં નવરાત્રીમાં વરસાદના વિઘ્ન વિના ગરબાની મજા માણી શકશે. 


રાજ્યમાં આ ડેમ થયા ઓવરફ્લો


રાજ્યના 207 પૈકી 130 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. તો  કચ્છ-સૌરાષ્ટ્રના 108, જ્યારે મધ્ય ગુજરાતના 10 ડેમ ઓવરફ્લો થયા છે.  તો દક્ષિણ ગુજરાતના નવ અને ઉત્તર ગુજરાતના ત્રણ ડેમ છલોછલ  ભરાઇ ચૂક્યાં છે. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 183 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે.  90 ટકાથી વધુ ભરાયેલા 163 જળાશયો હાઈએલર્ટ પર છે. જ્યારે 80થી 90 ટકા ભરાયેલા 11 ડેમ એલર્ટ તો 70થી 80 ટકા ભરાયેલા નવ ડેમ વોર્નિંગ પર છે.


ચોમાસાની સિઝનનો કેટલો વરસાદ વરસ્યો


ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 137.23 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ સિઝનનો 184.86 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  જ્યારે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 147.07 ટકા વરસાદ વરસ્યો છે.  દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 141.08 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 132.77 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 114.55 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. 


આ પણ વાંચો


Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી