અમદાવાદ: રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.  અમદાવાદમાં ઠંડર સ્ટ્રોમ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગના મતે ઓગસ્ટ મહિનામાં સામાન્ય વરસાદ  પડશે.  માછીમારોને 4 અને 5 ઓગસ્ટના રોજ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 

Continues below advertisement


ગુજરાતમાં આગામી સાત દિવસ રાજય પર વરસાદ લાવે તેવી કોઇ સિસ્ટમ એક્ટિવ નથી જેથી ગુજરાતમાં વરસાદની આ સપ્તાહમાં શક્યતા ઓછી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટછવાયો મધ્યમ વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત અને તેના આસપાસના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 


સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી


ગુજરાતના દક્ષિણ ઝોનમાં કોઇક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે પરંતુ સાર્વત્રિક વરસાદની શક્યતા ઓછી છે. હવામાન વિભાગની મોડલ મુજબ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પણ વરસાદની શક્યતા ઓછી છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી શકે છે. જેમાં ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, અમરેલીનો સમાવેશ થાય છે. 


સૌરાષ્ટ્ર કચ્છમાં અતિ ભારે વરસાદની આગામી સપ્તાહમાં શક્યતા નહિવત છે.  મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વમાં છૂટછવાયો વરસાદ થઇ શકે છે. ઉલ્લેખનિય છે કે, 10 ઓગસ્ટની આસપાસ ફરી ગુજરાતમાં વરસાદનું થોડું જોર વધે તેવુ અનુમાન છે.


રાજ્યમાં સિઝનનો સરેરાશ 62.44 ટકા વરસાદ


અત્યારે રાજ્યમાં સિઝનનો સરેરાશ 62.44 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌરાષ્ટ્રમાં આ સિઝનનો 55 ટકા વરસાદ વરસ્યો છે, જ્યારે કચ્છ ઝૉનમાં સિઝનનો 64.17 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 65.70 ટકા વરસાદ અને ઉત્તર ગુજરાતમાં સરેરાશ 65.17 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આ વહેલા વરસાદના કારણે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ છે.


માછીમારોને દરિયો ન ખેડવા સૂચના


ભારે વરસાદ અને સંભવિત દરિયાઈ તોફાની પવનોની આગાહીને ધ્યાનમાં રાખીને, આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં જવું જોખમી બની શકે છે.


રાજ્યમાં 6 ઓગસ્ટ સુધી હળવાથી સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં ઝાપટા સાથે સામાન્યથી લઈ હળવો વરસાદ વરસી શકે છે.