Rain: ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી દીધી છે. ઠેર ઠેર પાણી ભરાયા છે. નર્મદાથી લઇને મહીસાગર સુધીની તમામ મોટી નદીઓ ઓવરફ્લૉ થઇ છે, તમામ ડેમો પણ છલકાયા છે, ત્યારે આજે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ અનુસાર, આજે ફરી એકવાર ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આજે આગાહી કરતાં જણાવ્યુ છે કે, આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ ખાબકી શકે છે. આજે રાજસ્થાનના દક્ષિણ ભાગમાં વરસાદી સિસ્ટમનું ભારે સર્ક્યૂલેશન સર્જાયુ છે, અને તે હવે પશ્ચિમ ભાગ તરફ આગળ વધી રહ્યું છે, આ કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર- કચ્છમાં ધોધમાર વરસાદ પડશે. આ ઉપરાંત હવામાન વિભાગ અનુસાર, આજે જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ધોધમાર વરસાદ પડશે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં બે દિવસ વરસાદી માહોલ જામેલો રહેશે, અને શુક્રવારથી વરસાદનું જોર ઘટશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ 110 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
હમણાં રાહત નહીં, ગુજરાતમાં હજુ પણ મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ રહેશેઃ અંબાલાલ પટેલ
ગુજરાતમાં અત્યારે મેઘરાજાની ચારેય બાજુ ધમાકેદાર બેટિંગ થઇ રહી છે, ઉત્તર ગુજરાતથી લઇને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 150થી વધુ તાલુકાઓમાં વરસાદે કેર વર્તાવ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે હવામાન વિદ અને આગાહીકાર અંબાલાલ પટેલે ફરી એકવાર ચોંકાવનારી આગાહી કરી છે. અંબાલાલ પટેલે અનુસાર, હમણાં ગુજરાતને વરસાદીથી રાહત નહીં મળે, હજુ પણ રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ રહેશે. જાણો અંબાલાલ પટેલે શું કહ્યું..........
ગુજરાતમાં વરસાદી આગાહીને લઇને આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, હમણાં ગુજરાતને વરસાદથી રાહત નહીં મળી શકે, ગુજરાતમાં હજુ પણ વરસાદ વરસવાનું ચાલુ રહેશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ઓકટોબરમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ઉભા થઇ રહ્યા છે, આ ચક્રવાતના કારણે ગુજરાતનું વાતાવરણ તોફાની બની રહેશે. આગામી 19 અને 20 તારીખે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પડવાની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યમાં બનાસકાંઠા, દક્ષિણ રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં ભારે વરસાદ પડશે. થરાદ, વવા, કાંકરેજ, અમીરગઢ, તખતગઢ, ડીસા, દાંતીવાડા અને પાલનપુરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. રાધનપુર, સાંતલપુર અને ધાનેરામાં અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. આની સાથે સાથે બનાસ નદીમાં પુર આવવાની પુરી શક્યતા છે. સાબરમતી નદીમાં પાણીનો આવરો વધવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. ધરોઈ ડેમમાં પાણીની સપાટીમાં વધારો થવાની શક્યતા છે. એટલુ જ નહીં જામનગરમાં 18, 19 અને 20માં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રામાં પણ ભારે વરસાદની શક્યતા છે. કચ્છમાં પણ 18, 19 અને 20 તારીખે ભારેથી અતિભારે વરસાદ થશે. રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, મુન્દ્રા અને જખૌમાં ભારે વરસાદની પડવાની શક્યતા છે. ભુજ, નખત્રાણા અને માંડવીમાં ભારે વરસાદની શક્યતા છે.
મહત્વનું છે કે, આગામી 21મી તારીખથી વરસાદી સિસ્ટમ નબળી પડશે, 18 અને 19મી તારીખે બીજી સિસ્ટમ બંગાળની ખાડીમાં બનશે. અરબસાગરમાં 19મી તારીખે હલચલ થવાની શક્યતા છે. 10 ઓકટોબર સુધી ચક્રવાત સર્જાવાની શક્યતા છે. ઓકટોબરમાં પહેલા અને બીજા સપ્તાહમાં ચક્રવાત સર્જાશે. બંગાળના ઉપસાગરમાં બેથી ત્રણ ચક્રવાત સર્જાશે. ડિસેમ્બર સુધી આ ચક્રવાતમાં ભારે અસર જોવા મળશે.