અમદાવાદ :  હવામાન વિભાગની વરસાદ આગાહી વચ્ચે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે.  રાજ્યના 91 તાલુકામાં મેઘમહેર થઈ છે. સૌથી વધુ બનાસકાંઠાના દાંતામાં સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે.  ધાનેરાની રેલ નદીમાં નવા નીરની આવક થઈ છે. ભાવનગર જિલ્લામાં પણ સારો વરસાદ વરસ્યો છે.  

હવામાન વિભાગ દ્વારા 16 જુલાઈ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગતરાતથી જ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. સૌથી વધુ દાંતીવાડામાં  વરસાદ વરસ્યો છે. બીજી તરફ આજે વહેલી સવારથી પાટણમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી રેલવે ગરનાળામાં પાણી ભરાયા હતા. જેને પગલે વાહન ચાલકોને હાલાકી પડી હતી.

અમરેલીના સાવરકુંડલા તાલુકાના ભમોદ્રા ગામ આસપાસ ધોધમાર વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ હતી. તેમાં મિની ટ્રેક્ટર તણાયું હતું. જેનું રેસ્ક્યૂ કરાયું હતું. 

આજે 8 જિલ્લામાં યલો એલર્ટ

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે અરવલ્લી અને મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ આપ્યું છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

16 જુલાઈ સુધી વરસાદની આગાહી

હવામાન વિભાગે 13 અને 14 જુલાઈના રોજ ગુજરાત રીજનમાં ભારેથી અતિભારે અને સૌરાષ્ટ્ર રીજનમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 અને 16 જુલાઈના રોજ ગુજરાત રીજનમાં ભારે વરસાદ તેમજ સૌરાષ્ટમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાર પછીના બે દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આજે પણ બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી

આજે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.  વડગામ, પાલનપુર, દાંતીવાડા, દિયોદર, થરાદ, વાવ, અને સૂઈગામમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આજે ભારે વરસાદને લઈ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકથી બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી 

આજથી મેઘરાજા ધડબડાટી બોલાવશે. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણામાં ભારે વરસાદનું અનુમાન છે. સાથે જ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે.