કચ્છ: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોરના સમયે કચ્છના મુંદ્રામાં  ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. પ્રાગપર વિસ્તારમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.  બપોરના સમયે  વરસાદ વરસ્યો છે.  સારા વરસાદથી રોડ પર પાણી વહી રહ્યા છે. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ મેઘાવી માહોલ જોવા મળ્યો છે. કચ્છ જિલ્લામાં વરસાદ વરસતા લોકો ખુશખુશાલ થયા છે. 


જૂનાગઢ જિલ્લામાં વરસાદ


જુનાગઢ શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. મધુરમ,ટીંબાવાડી, મોતીબાગ અને સરદાર બાગ સહિતના વિસ્તારોમાં  પાણી પાણી થયા છે. વરસાદી માહોલથી રોડ પર વાહનચાલકોની અવરજવર ઓછી જોવા મળી છે. 


બનાસકાંઠા જિલ્લામાં વરસાદ


બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં વરસાદ વરસ્યો છે. બે દિવસના  લાંબા વિરામ બાદ અમીરગઢ પંથકમાં  વરસાદી માહોલ જામ્યો છે. અતિશય ઉકળાટ બાદ અમીરગઢના  બાલુન્દ્રા, વેરા, કાળી માટી જેવા વિસ્તારમાં વરસાદી ઝાપટું પડતા ગરમીમાં રાહત મળી છે.  અમીરગઢ તાલુકામાં ચાલુ સીઝનનો જોઈએ એવો વરસાદ ના પડતા ખેડૂતો  ચિંતામાં છે. 


અરવલ્લી જિલ્લામાં વરસાદ


અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. માલપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. માલપુરના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.  મોરડુંગરી, ભેમપુર, રુઘનાથ પુર, અંબાવા, કોયલીયા, સોનિકપુરમાં વરસાદ વરસ્યો છે.  મગફળી, કપાસ, સોયાબીનના પાકને જીવતદાન મળ્યું છે.  અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.


સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની આગાહી


હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસ દરમિયાન  ભારે વરસાદ થવાની શક્યતા નથી.સૌરાષ્ટ્ર અને  કચ્છમાં  ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંતના સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.


હવામાન વિભાગની આગાહી અનુસાર,  દાહોદ, પંચમહાલ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દાદર નગર હવેલી, દમણ, અરવલ્લી, મહીસાગર માં છૂટાછવાયા સ્થળો પર  વરસાદની આગાહી કરવામાં આવી છે.  


બુધવારે  કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.  આ ઉપરાંતના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.  સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.   


ગુરુવારે તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.