Rain News: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકી રહ્યો છે, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. વરસાદના આ રાઉન્ડમાં મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તબાહી મચાવી છે. જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે. સુરત, આણંદ, વડોદરા, નવસારી, તાપી અને સૌરાષ્ટ્ર ઝૉનના કેટલાક ભાગોમાં પુરની સ્થિતિ સર્જાઇ છે, અને કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. હવે આ બધાની વચ્ચે ફરી એકવાર મોટુ અપડેટ સામે આવ્યુ છે, લેટેસ્ટ આગાહી પ્રમાણે, ગુજરાતમાં પણ હજુ પણ ત્રણ સિસ્ટમનો ખતરો છે, અને આગામી દિવસોમાં વરસાદનું જોર વધી શકે છે. 


હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોના મતે ગુજરાતના માથે હજુ પણ વરસાદી તાંડવ યથાવત રહેશે, તાજા અપડેટ પ્રમાણે, ગુજરાત પર હાલમાં એકસાથે ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થઇ છે. ત્રણ સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ ધોધમાર વરસાદ વરસશે. રાજ્યના ચાર જિલ્લામાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી છે, જેમાં ભાવનગર અને સુરત ઝૉનમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત નવસારી અને વલસાડમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે. 


હવામાન આગાહી પ્રમાણે, આજે વડોદરા, આણંદ અને ડાંગ અને દક્ષિણ ગુજરાતના તાપી, નર્મદા, ભરૂચ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયુ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં બોટાદ, અમરેલી અને ગીર સોમનાથમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયુ છે. 


ગુજરાતના આ 4 જિલ્લામાં અતિ ભારે વરસાદની ચેતવણી


હવામાન વિભાગની (Meteorological Department )આગાહી મુજબ ગુજરાતના ચાર જિલ્લામાં  આજે ભારે વરસાદનું  ( heavy rain અનુમાન છે.    ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. સારા વરસાદની રાહ જોતા ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. આવતીકાલે સક્રિય થનાર સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતમાં આજે અનરાધાર વરસાદનું અનુમાન છે. અત્યાર સુધીની રાજ્યમાં ચોમાસાની (monsoon) સ્થિતિની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં 50 ટકા વરસાદ નોંધાયો છે.  ક્ષમતાના 100 ટકા ભરાયેલા ડેમની સંખ્યા 46 સુધી પહોંચી છે. 70થી 100 ટકા ભરાયેલા ડેમની સંખ્યા 25 છે.  50થી 70 ટકા ભરાયેલા ડેમની સંખ્યા 41 છે. તો 25 ટકાથી નીચે ભરાયેલા ડેમની સંખ્યા 69 છે. આ સાથે રાજ્યની 10 નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે.


ભારે વરસાદના કારણે  પોરબંદરથી ધોરાજી પંથક સુધી અને  દક્ષિણ ગુજરાતમાં જન જીવન ખોરવાયું છે.  વિવિધ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 4 હજાર 232થી વધુ લોકોનું સ્થળાંતર કર્યું છે.  તો પાણીમાં ફસાયેલા 535 લોકોને રેસ્ક્યૂ કરી બચાવાયા છે.  સૌથી વધારે નવસારી, દ્વારકા, સુરત અને ભરુચ જિલ્લામાં સ્થળાંતરની કામગીરી ચાલી રહી છે. ભારે વરસાદથી ગામડાના માર્ગોથી લઈને સ્ટેટ હાઈવે પ્રભાવિત થયા છે.  17 રાજ્ય ધોરીમાર્ગો અને  42 અન્ય રસ્તા અને પંચાયતના 607 રસ્તાઓ સહિત કુલ 666 રસ્તાઓ હાલમાં બંધની સ્થિતિમાં છે. તો રાજ્યના 235 ગામમાં હજુ પણ વીજળી ગૂલ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ બાદ મધ્ય ગુજરાતમાં મેઘરાજાનો પ્રકોપ વર્તાઇ રહ્યો છે.  બુધવારે ખાબકેલા અનરાધાર વરસાદથી વડોદરા, આણંદ અને સુરત જિલ્લો  પાણી પાણી થઇ ગયો. . શહેરના રાજમાર્ગો  જળમગ્ન જોવા મળ્યાં. નીચાણવાળા વિસ્તારમાં તો  ઘરમાં પાણી ઘૂસી જાતાં ઘરવખરીને પણ નુકસાન થયુ છે. તો  ખેતરો જળમગ્ન બની બેટ ફેરવાતાં પાકના  નુકસાનીની પણ ભીતિ સેવાઇ રહી છે.