અમદાવાદ: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આગામી 2 દિવસ કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. 04 સપ્ટેમ્બરથી વરસાદનું જોર ખૂબ વધશે અને રાજ્યના 22 થી વધુ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું યલો-ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્ય પર 2 સિસ્ટમ એક્ટિવ હોવાથી આગામી 10 સપ્ટમ્બર સુધી વરસાદનું અનુમાન છે.
આજે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર,અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, ગોધરા,ખેડા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત. ડાંગ, તાપી, વલસાડ, નવસારી, આ વિસ્તરોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા વધુ છે. અમદાવાદ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગરમાંથી એકાદ વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. ઉલ્લેખનિય છે કે, આજથી સૌરાષ્ટ્રમાં આજથી વરસાદનું જોર વધશે.
વરસાદના આ રાઉન્ડમાં ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે એટલે કે કોઇ વિસ્તારમાં ભારે તો કોઇ વિસ્તારમાં હળવો વરસાદ વરસી શકે છે.હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધશે. આ વિસ્તારમાં એકાદ બે જગ્યાએ ભારે તો કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદ વરસશે. ઉલ્લેખનિય છે કે એકાદ બે વિસ્તાર ભારે વરસાદ માટે છોડી દઇએ તો મધ્યમ વરસાદ ગુજરાત રિજનનાં સમગ્ર વિસ્તારમાં રહેશે.
ઉલ્લેખનિય છે કે આ મોનસૂનનો છેલ્લો મહિનો છે. આ મહિનામાં પ્રથમ સપ્તાહમાં જ સારો વરસાદ વરસે તેવી આગાહી છે. 4 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદનું અનુમાન છે. બંગાળની ખાડીમાં સક્રિય વરસાદી સિસ્ટમના કારણે રાજ્યમાં ચોમાસાની વિદાય મોડી થશે. ચારથી આઠ સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં મધ્યમ તો કેટલાકમાં ભારે વરસાદની આગાહી છે. આ મહિનામાં અમદાવાદ શહેરમાં પણ સામાન્યથી વધુ વરસાદ રહેવાની શક્યતા છે.
સરેરાશ 90.81 ટકા વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર મુજબ, રાજ્યમાં સિઝનનો સરેરાશ 90.81 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 95.31 ટકા, દક્ષિણ ગુજરાતમાં 94.48 ટકા, પૂર્વ મધ્યમાં 90.58 ટકા, કચ્છમાં 85.14 ટકા અને સૌરાષ્ટ્રમાં 84.48 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યની જીવાદોરી ગણાતો સરદાર સરોવર નર્મદા ડેમ 89.66 ટકા ભરાયેલો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 80.58 ટકા જળસંગ્રહ છે.
રાજ્યમાં 108 ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યારે 80 ડેમ 100 ટકા ભરાયેલા છે. આ સિવાય 30 ડેમ એલર્ટ અને 9 ડેમ વોર્નિંગ પર છે. જ્યારે 67 ડેમ 70 થી 100 ટકા, 25 ડેમ 50 થી 70 ટકા અને 18 ડેમ 25 થી 50 ટકા ભરાયેલા છે. 16 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે.