અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજા મહેરબાન થયા છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. હવે હવામાન વિભાગે નવી આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું, કચ્છ અને સૌરાષ્ટ્ર નજીક ડીપ ડિપ્રેશન સક્રિય બન્યું છે. આગામી 6 કલાકમાં ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થશે. હવામાન વિભાગ અનુસાર 1 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરી એક વખત વરસાદનું જોર વધશે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ફરી એક સપ્ટેમ્બરથી વધુ વરસાદ પડવાની આગાહી કરાઈ છે.
આજે ચાર જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગે જણાવ્યું કે, ડીપ ડિપ્રેશન 6 કલાકમાં 5 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે. હાલ ડીપ ડિપ્રેશન નલિયાથી પશ્ચિમ- ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજે કચ્છ, દેવભૂમિ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે મોરબી,રાજકોટ,જૂનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અત્યાર સુધી સીઝનનો 50 ટકા વધુ વરસાદ
આજે મોન્સૂન ટ્રફ, ડીપ ડિપ્રેશન અને ઓફશૉર ટ્રફ સક્રિય થતા વરસાદ વરસી રહ્યો છે. 45 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 1 સપ્ટેબરથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંદરગાહ ઉપર LC 3 નું સિગ્નલ આપવામાં આવ્યું છે . સામાન્ય કરતા અત્યાર સુધી સીઝનનો 50 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ વરસ્યો છે.સૌથી વધુ કચ્છના માંડવીમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં કચ્છના મુન્દ્રામાં સાડા 8 ઈંચ, દ્વારકા તાલુકામાં સાડા સાત ઈંચ,અબડાસામાં સાડા છ ઈંચ, અંજારમાં સવા ત્રણ ઈંચ, ગાંધીધામમાં અઢી ઈંચ, ભૂજમાં અઢી ઈંચ, લખતપમાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો છે.
ભેંસાણમાં બે ઈંચ, લોધિકામાં પોણા બે ઈંચ, નખત્રાણામાં પોણા બે ઈંચ, ભચાઉમાં પોણા બે ઈંચ, ખંભાળીયામાં દોઢ ઈંચ, જોડીયામાં દોઢ ઈંચ, ચુડામાં દોઢ ઈંચ, ચોટીલા,ધોલેરામાં સવા-સવા ઈંચ, દાંતીવાડામાં સવા ઈંચ, ભિલોડામાં સવા ઈંચ, ચીખલીમાં સવા ઈંચ, પોશીના, સુબીરમાં એક-એક ઈંચ, બોડેલી, બેચરાજીમાં એક-એક ઈંચ, સરસ્વતી, ઈડર,મોરબીમાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો.
41 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
ગુજરાતના વિવિધ ભાગોમાંથી અત્યાર સુધીમાં કુલ 41,678 લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, છેલ્લા 48 કલાકમાં ભારતીય કોસ્ટ ગાર્ડ, નેવી, ઈન્ડિયન આર્મી, એરફોર્સ અને NDRF, ADRFની ટીમોએ 500 થી વધુ લોકોને બચાવ્યા છે. NDRFની 15 ટીમો, SDRFની 27 ટીમો અને સેનાની 7 ટીમો ગુજરાતમાં તૈનાત છે.
Gujarat Rain: કચ્છ અને સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી,આ 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ