અમદાવાદ: આગામી ચાર દિવસ સુધી સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડશે. તેમાં ખાસ કરીને દ્વારકા અને કચ્છમાં વરસાદ પડે તેવી શક્યતા છે. વાવાઝોડાનો ખતરો તો ટળી ગયો છે પરંતુ તેની અનેક વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદમાં અચાનક ગરમીનો પારો વધ્યો હતો અને ત્યારબાદ અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડ્યો હતો.

રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ શરૂ થયો છે. જો તમે આ સપ્તાહમાં ફરવા ગયા હશો તો વરસાદ ચોક્કસ તમારી મઝા બગાડી શકે છે.

સોમવારે નવા વર્ષનાં પહેલા જ દિવસે અમદાવાદ, સુરત, વડોદરા, પોરબંદર, છોટાઉદેપુરનાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

અમદાવાદનાં એસજી હાઈવે, પ્રહલાદનગર, મણિનગર, કાકરિયા, રાયપુર, ઈશનપુર, જશોદાનગર, ખોખરા, હાટકેસવર, અમરાઈવાડી, રખિયાલ, વસ્ત્રાલ, ઓઢવ, ગોમતીપુર, કાલુપુર, શાહીબાગ, વાડજ, રાણીપ, ચાદલોડિયા અને ગોતામાં ઝરમર વરસાદ પડ્યો હતો.

ક્યાર વાવાઝોડાની અસર ઘટતા 31મી ઓક્ટોબર સુધી તાપમાનમાં વધારો જોવા મળશે. સોમવારથી અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં ફરીથી ગરમીમાં એકથી બે ડિગ્રીનો વધારો થશે જયારે 1લી નવેમ્બરથી ઠંડીનો ચમકારો વધી શકે છે. દ્વારકા પંથકમાં ગત મોડી સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. સુસવાટા મારતા પવનને કારણે વાતાવરણમાં શિયાળા જેવી ઠંડક પ્રસરી ગઈ હતી.