અમદાવાદ: ‘ક્યાર’ વાવાઝોડાના કારણે ગુજરાતમાં છેલ્લા કેટલાંક દિવસોથી વાતાવરણ અચાનક પલટાઈ ગયું છે. દિવાળીના દિવસે રણછોડરાયની ભૂમિ દ્વારકા, સુરત અને વલસાડમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને કારણે લોકોની દિવાળી બગડી હતી. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં વરસાદ પડ્યો હતો. અચાનક પડેલા વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

દિવાળીના દિવસે અમદાવાદમાં ઘણા વિસ્તારોમાં વરસાદના છાંટા પડ્યા હતા. આ ઉપરાંત નવસારી જિલ્લામાં, રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જ્યારે શીશલી, ફટાણા પંથકમાં અડધો ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. હજુ બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે દરિયાના કાંઠા વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે તેવું હવામાન વિભાગે આગાહી કરી છે.

દિવાળીના દિવસે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપૂર, પાનેલી, નંદાણા, ધતુરિયા, ગઢકા, પટેલકા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. ધીમી ધારે પડતા વરસાદના પગલે ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા.

મગફળી, કપાસ, બાજરી જેવા તમામ પાકોને મોટું નુકસાન પહોંચ્યું હતું. આટલું જ નહીં પાકની સાથે સાથે માલઢોરનો ચારો પણ પલળી જવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતા ફેલાઇ હતી. દિવાળી ટાંકણે વરસાદ પડવાથી ખેડૂતો ઉપર પડ્યા ઉપર પાટું જેવો ખાટ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, અરબી સમુદ્રમાં વાવાઝોડું વધુ તોફાની બન્યું છે અને એ ‘ક્યાર’ સુપર સાયક્લોન બની ગયું છે. એટલે ખતરનાક વાવાઝોડું છે. કારણ કે વાવાઝોડું સક્રિય થાય ત્યારે પહેલા લો-પ્રેશર સક્રિય થાય છે.

લો-પ્રેશર વધુ મજબુત બને તો વેલ માર્ક લો-પ્રેશર એરિયા બને છે. ત્યાર બાદ ડિપ્રેશનરમાં પરિવર્તિત થાય છે ત્યાર બાદ ડીપ ડિપ્રેશન બને છે. જેમાંથી વાવાઝોડું સક્રિય થાય છે. એટલે કે સાયક્લોન સ્ટોર્મ બની ગયા બાદ સિવિયર સાયક્લોન બન્યું છે.