રાજયના ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આગામી બે દિવસ દરમિયાન માવઠું થઈ શકે છે. હવામાન વિભાગે દાહોદ, મહીસાગર, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં 2 અને 3 જાન્યુઆરીએ સામાન્ય વરસાદની આગાહી કરી છે. તો અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે.


ઉત્તર અને મધ્ય ગુજરાતમાં રવી સીઝનનું સારા એવા પ્રમાણમાં વાવેતર થયું હોય માવઠાની આગાહીના પગલે ખેડૂતોની ચિંતા વધી છે. સાયક્લોનિક સર્કયુ્લેશનના કારણે વાતાવરણમાં પલટો આવવાના કારણે ઠંડીમાં ઘટાડો થવાની આગાહી છે.

રાજ્યમાં આગામી બે દિવસ માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે માવઠાને લીધે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીમાં આશિંક ઘટાડો થઈ શકે છે. ત્રણ જાન્યુઆરી બાદ ઠંડીથી થોડી રાહત મળવાની સાથે જ તાપમાન વધવાની પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

તો સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ કેશોદ સૌથી ઠંડુ શહેર રહ્યુ છે. જામનગરમાં ઠંડીનો પારો નવ ડિગ્રી પર પહોંચ્યો છે. તો કેશોદમાં ઠંડીનો પારો 9.2 ડિગ્રી પર પહોચ્યો છે. રાજકોટ અને જૂનાગઢમાં ઠંડીનો પારો 10 ડિગ્રી પર પહોંચ્યો છે. જ્યારે અમરેલી અને પોરબંદરમાં ઠંડીનો પારો 12 ડિગ્રી રહ્યો છે. ભાવનગર અને વેરાવળમાં ઠંડીનો પારો 14 તો કચ્છના નલિયામાં ઠંડીનો પારો 7.2 ડિગ્રી રહ્યો છે.