ગાંધીનગર: રાજ્યના ખેડૂતો માટે હજુ પણ બે દિવસ ભારે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદમાં વરસાદ વરસી શકે છે. ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલમાં પણ વરસાદની સંભાવના છે.

આગામી બે દિવસમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ગાંધીનગર ખાતે યોજાયેલા વેધર વોચ ગૃપના વેબીનાર બાદ રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર પટેલે આ અંગેની માહિતી આપી હતી.

રાહત કમિશનર હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને પટેલે જણાવ્યુ કે, આજે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં રાજયના 17 જિલ્લાઓના 28 તાલુકાઓમાં વરસાદ નોંધાયેલ છે. જેમાં સૌથી વધારે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં 54 મીમી વરસાદ નોંધાયો છે.

રાજયમાં અત્યાર સુધી 1134.33 મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ 831 મીમીની સરખામણીએ 136.50 ટકા છે.