વાયુ વાવાઝોડુ સાયક્લોન સ્ટ્રોમમાંથી ડિપ્રેશનમાં ફરેવાયુ છે. કચ્છના દરિયા કિનારે સાયક્લોન જઈ શકે તેમ હોય મંગળવારે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. લો પ્રેશરની સ્થિતિ સર્જાતાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થાય તે પહેલાં જ સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
ડિપ્રેશનમાં ફેરવાયલ વાવાઝોડાને કારણે પાટણ અને મહેસાણામાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગે જાહેર કરી છે. ભારે વરસાદની સાથે તેજ ગતિથી પવન પણ ફૂકાઈ શકે છે. વાયુની અસરના કારણે હવાનુ દબાણ નબળુ પડવાને કારણે આ સ્થિતિ સર્જાઈ શકે તેમ હોય તંત્ર એલર્ટ બનસ ગયુ છે. એક તરફ સોમવાર સવારથી જ બદલાયેલા વાતાવરણની અસર જોવા મળી હતી. સવારથી જ વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતુ અને આકાશમાં કાળાં ડિબાંગ વાદળો છવાયા હતા.
સોમવારે વહેલી સવારથી ઉત્તર ગુજરાત કાળા ડિંબાગ વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું. પરંતુ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાતાં ભારે વરસાદની ઘાત હળવી થઇ હોય તેમ ઝરમરીયા વરસાદની શરૂઆત થઇ હતી. સાંજે 6 વાગ્યા સુધીમાં ઇડરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ડીસા અને તલોદમાં 3 મીમી, સરસ્વતી, દિયોદર અને હિંમતનગરમાં 2 મીમી વરસાદ નોંધાયો હતો.