અમદાવાદઃ કચ્છ તરફ આવી રહેલું વાયુ વાવાઝોડું હાલ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. કચ્છ તરફ આવશે ત્યારે ડિપ્રેશનમાં ફેરવાતાં તેની અસરકારકતા બિલકુલ ઘટી જશે. જોકે ‘વાયુ’ની અસરને કારણે સોમવારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હળવી બનતાં ઝરમરથી માંડી અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જો કે, હજુ પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે સાવચેતીના ભાગરૂપે NDRF ની 1-1 ટીમ સ્ટેન્ડ બાય રખાઇ છે.




વાયુ વાવાઝોડુ ફરી ગુજરાતના દરીયા કિનારે પહોચવાની સંભાવનાને પગલે તંત્ર સાબદુ થઈ ગયું છે. રાજ્યમા કુલ 24 NDRFની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. જેમાં કચ્છમાં 5ટીમ પોરબંદર, જામનગર, દ્રારકા, મોરબીમાં બે-બે ટીમો તૈનાત રાખવામાં આવી છે. જુનાગઢ, પાટણ, ગીર સોમનાથ, સુરત, વલસાડ, બનાસકાંઠા જિલ્લામા NDRFની એક-એક ટીમ તૈનાત રાખવામાં આવી છે. તેમજ ગાંધીનગર ખાતે બે ટીમો સ્ટેંડ બાય રાખવામાં આવી છે.

હાલમાં ભૂજમાં કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. કંડલા, મુન્દ્રા, માંડવી બંદર પર 2 નંબરનું સિગ્નલ હટાવીને 3 નંબરનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ સાથેજ કચ્છમાં NDRFની 5 અને BSFની 2 ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.