છેલ્લા 10 કલાકમાં સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાના આઠ તાલુકાઓમાં ચાર ઈંચથી લઈને 12 ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે. આજે જામખંભાળીયામાં 12 ઈંચ વરસાદ વરસ્યો છે. જામ જોધપુરમાં સાત ઈંચ, ભાણવડમાં છ ઈંચ વરસાદ વરસ્યો છે. કલ્યાણપુરમાં પોણા પાંચ ઈંચ, માણાવદરમાં સાડા ચાર ઈંચ, કુતિયાણામાં સાડા ચાર અને રાણાવાવમાં સવા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે.
પોરબંદરમાં પોણા ચાર ઈંચ, જામનગર , ઉપલેટા , દ્વારકા, કાલાવડ અને વંથલી તાલુકામાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. મુંદ્રામાં અઢી ઈંચ, જૂનાગઢમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો છે. ધોરાજી, કચ્છના માંડવીમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. જલાલપોર,મેંદરડા,કેશોદ,ધ્રોલ,જોડીયા તાલુકામાં પણ એક એક ઈંચ વરસાદ વરસ્યો છે.
જામનગરના જામજોધપુર પંથકમાં છેલ્લા બે દિવસથી સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે 8 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં જામજોધપુરમાં છ ઈંચ વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. છ ઈંચ વરસાદના પગલે જામજોધપુરના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં.