અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં રાજ્યમાં સાત તાલુકા એવા છે જ્યાં અઢીથી સાડા પાંચ ઇંટ જેટલો વરસાદ ખાબક્યો છે. તો સૌથી વધુ વરસાદ અંકલેશ્વર સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે.


આ સાથે જ મોરવાહડફમાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કામરેજમાં સાડા ત્રણ ઈંચ, ભરૂચમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. તો બોરસદ, જેતપુરપાવી અને વલોડમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે અને નસવાડી, ડોલવણ, માંગરોળમાં સવા બે ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ઠાસરમાં બે ઈંચ વરસાદ પડ્યો છે.

બીજી બાજુ રાજ્યમાં હજુ પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદ યથાવત રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથમાં વરસાદ પડશે.

તો દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, વલસાડ, દાદરાનગર હવેલી, નવસારી સહીતના વિસ્તારોમાં પણ વરસાદ પડશે. સાથે જ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહેસાણા નડિયાદ, ખેડા, આણંદ સહીતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આ આગાહી વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે.