ગાંધીનગર : રાજ્યમાં આજે સવારથી જ વરસાદી માહોલ છે. સવારના 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધીમાં 145 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢના વિસાવદરમાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. અમરેલીના ખાંભામાં પણ પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

પોરબંદરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પોરબંદરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતા છાયા ચોકી રોડ, સુદામા ચોક અને SVP રોડ પર પાણી ભરાયા હતા. રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે સાર્વત્રિક વરસાદ પડ્યો છે. ખંભાળીયા, ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકા તાલુકામાં સાર્વત્રિક 1 થી 6 ઇંચ વરસાદ પડતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે. કલ્યાણપુર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ વરસાદથી સમગ્ર વિસ્ત્તારમાં પાણી ફરી વળ્યા છે. કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદને કારણે મગફળી અને કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને ફાયદો થશે.


કલ્યાણપુરના દરિયાઈ વિસ્તારો જેવા કે નાવદ્રા, હર્ષદ, લાંબા, ભોગાત સહિતના ગામોમાં પણ 2 થી 4 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ કલ્યાણપુર તાલુકાના કલ્યાણપુર , બાંકોડી, ચૂર, સૂર્યાવદર ટંકારીયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.

છોટા ઉદેપુર જિલ્લામાં પણ સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. નસવાડી, તણખલા, ગઢ બોરીયાદ, આમરોલી પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ક્વાંટ,પાનવડ,નાંખલ પંથકમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતા કપાસ,સોયાબીન,તુવેરના પાકને જીવનદાન મળ્યું છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.