ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા બે દિવસથી મેઘમહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકાઓમાં વરસાદન નોંધાયો છે. સાબરકાંઠાના તલોદમાં સૌથી વધારે 3 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. સાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ છવાયો છે. સાબરકાંઠાના વિજયનગર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરૂ થયો છે. વરસાદના પગલે વિજયનગરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાનું શરૂ થયું છે. રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડબ્રહ્મા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે રોડ- રસ્તા પર પાણી ભરાઈ ગયા છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે સતત પાંચમા દિવસે પણ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. વહેલી સવારથી મેઘરાજાએ એન્ટ્રી કરતા પાલનપુર, ડીસા, દાંતીવાડા, પાંથાવાડા અને ધાનેરા તાલુકામાં વરસાદ વરસ્યો છે. છેલ્લા પાંચ દિવસથી અવિરત વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતાં. ત્યારે હવે મોડે- મોડે પણ વરસાદી માહોલ જામતા ખેડૂતો ખુશ થયા છે. આ વરસાદ ખેડૂતોના મગફળી, બાજરી,જુવાર સહિતના ખરીફ પાકો માટે કાચા સોના સમાન સાબિત થશે. આ તરફ ભીલડી અને પાલનપુર સહિતના પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગથી અનેક સોસાયટી અને રોડ- રસ્તા પર પાણી ભરાઈ ગયા હતાં. હાલ બનાસકાંઠામાં સરેરાશ 40 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.
આગામી પાંચ દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગના અનુસાર આગામી પાંચ દિવસ પૂરા ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગના મતે એક સર્ક્યુલેશન સિસ્ટમ તો સક્રિય થઈ છે.
ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં માત્ર 2.57 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેની સરખામણીએ સપ્ટેમ્બરના નવ દિવસમાં જ 4.42 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યમાં હજુ પણ 35 ટકા વરસાદની ઘટ છે. જે ઓગસ્ટના અંતે 50 ટકાની હતી. આમ સપ્ટેમ્બરમાં વરસાદની ઘટમાં ખાસ્સો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
ધોધમાર વરસાદના કારણે અમરેલી જિલ્લાના જળાશયો છલકાયા છે. હાલમાં લાઠી તાલુકાનો સૌથી મોટો ભાદાણી ચેકડેમ ઉપરવાસ અને જિલ્લામાં વરસી રહેલા વરસાદના કારણે ઓવરફ્લો થયો છે. ભાદાણી ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. ગાગડીયા નદીમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે. જિલ્લાના સરોવરો અને મોટા ચેકડેમો છલકાતા આસપાસના લાઠી,કેરીયા,અકાળા,દુધાળા સહિતના ગામોના ખેડૂતોને મોટો ફાયદો થશે.
ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં વરસેલા ભારે વરસાદથી ઉના- દીવ અને ગીર ગઢડાને પાણી પૂરૂ પાડતો રાવલ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. રાવલ ડેમ સંપૂર્ણ ભરાતા લેવલ જાળવવા હાલ એક દરવાજાને 0.15 મીટર ખોલવામાં આવ્યો છે. ડેમનો એક દરવાજો ખોલાતા ઉના અને ગીર ગઢડા તાલુકાના 18 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.